સારાંશ
- ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપની મીટ રાજ્યની દલિત અને ઓબીસી વોટ બેંક પર છે. ૨૦૧૧ની વસ્તી ગણતરી અનુસાર ઉત્તરપ્રદેશમાં તેમની વસ્તી ૬૦ ટકા છે.
- જો કે રોહિત વેમુલાની આત્મહત્યા અને ગુજરાતના ઊનામાં દલિતોની મારપીટ બાદ ભાજપને આ વોટ બેંકનું નુકસાન થઈ શકે છે.
- ગુજરાતના ઉનામાં કહેવાતા ગૌૈરક્ષકો દ્વારા દલિતોની મારપીટ બાદ ભાજપ હવે સંરક્ષણાત્મક મુદ્રામાં છે. ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં પક્ષને તેનાથી નુકસાન થઈ શકે છે.
ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે યોજાનારી ચૂંટણીમાં ભાજપ દલિતો (ઓબીસી) પર મદાર રાખીને બેઠો છે. ૨૦૧૧ની વસતી ગણતરી અનુસાર તેમના કુલ મતોની સંખ્યા ૬૦ ટકા છે, જેનાથી ભાજપની એક દાયકા બાદ સત્તામાં વાપસી નિશ્ચિત હતી પરંતુ ભાજપ રાજ્યમાં નાની-મોટી ઘટનાઓને રોકવામાં નિષ્ફળ રહ્યો છે અને તેથી દલિતોને પોતાની તરફેણમાં કરવાની તેની યોજના પર પાણી ફરી વળ્યું છે.
૧૭ જાન્યુઆરી ૨૦૧૬ના રોજ હૈદ્રાબાદ યુનિવર્સિટીના રિસર્ચ કોલર રોહિત વેમુલાની આત્મહત્યા અને ત્યારબાદ ૧૨ જુલાઈ ૨૦૧૬ના રોજ ગુજરાતના ઊના શહેરમાં ગૌરક્ષકોએ જે રીતે ચાર દલિત યુવાનોની જાહેરમાં મારપીટ કરી હતી તેના પરથી હવે એવું લાગી રહ્યું છે કે દલિતોને હવે ભગવા પક્ષ પર ભરોસો રહ્યો નથી. આ સ્થિતિ ઉત્તરપ્રદેશની બે રેલીઓમાં જોવા મળી હતી. આ રેલીનું આયોજન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ આ વર્ષે ૩૧ જુલાઈએ આગ્રામાં આયોજિત દલિત રેલીમાં અપેક્ષા મુજબ લોકો આવ્યા ન હતા. આ રેલીમાં ૪૦,૦૦૦ લોકો આવવાની અપેક્ષા હતી. ભાજપે જે બુદ્ધધમ્મ યાત્રાના લોકોને સ્પોન્સર કર્યા હતા તેઓ પણ આ રેલીમાં જોડાનાર હતા. ભાજપે જો કે સત્તાવાર રીતે એવું જણાવ્યું હતું કે વરસાદે આ રેલીનું આયોજન બગાડી નાખ્યું હતું, જ્યારે ભાજપ પર નજર રાખી રહેલા લોકોનું કહેવું છે કે દલિતો હવે ભાજપના દીવાસ્વપ્નમાંથી બહાર આવી ગયા છે અને બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતી સાથે જોડાઈ ગયા છે. ૧૬ સપ્ટેમ્બરના રોજ બસપાના પાટલીબદલુ જુગલકિશોરની એક અન્ય રેલીમાં પણ ખૂબજ ઓછા લોકો આવ્યા હતા અને એ જોઈને અમિત શાહ રેલીના સ્થળેથી તુરંત નીકળી ગયા હતા. ઓબીસી નેતા સ્વામી પ્રસાદ મૌર્યએ પોતાનો પ્રભાવ દાખવવા માટે એ સ્થળે ૨૨મી સપ્ટેમ્બરના રોજ રેલીનું આયોજન કર્યું હતું જે ધાર્યા કરતાં વધુ સારી રહી હતી. આ એ જ મૌર્ય છે જેમણે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા હોવા છતાં માયાવતી સાથે છેડો ફાડી નાખ્યો હતો. જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના પ્રોફેસર બદ્રીનારાયણે જણાવ્યું છે કે રોહિત વેમુલાની આત્મહત્યા અને ઊનાની ઘટનાથી દલિત મતદારો નારાજ છે. હવે તેમને ખબર પડી ગઈ છે કે આગામી ચૂંટણીમાં તેમણે કોની તરફેણમાં મતદાન કરવું જોઈએ. મૌર્યની રેલીને લઈને તેમનું કહેવું હતું કે તેમણે માયાવતી સાથે છેડો ફાડ્યો છે પરંતુ બસપાની વોટબેંક પર તેના કારણે કોઈ મોટી અસર નહીં પડે. આમ અમિત શાહના દલિતોના વોટ મેળવવાના પ્રયાસો પહેલાં જ ભાજપની આશા પર હવે પાણી ફરી વળી રહ્યું હોવાનું જણાય છે. ભાજપે બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના સન્માનમાં પાંચ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસિત કરવાની જાહેરાત કરી હતી. આંબેડકરના જન્મસ્થળ મહુ, વિદ્યાર્થી જીવનમાં તેઓ જ્યાં રહેતા હતા તે લંડનનું સ્થળ, નાગોરમાં દીક્ષાભૂમિ કે જ્યાં તેમણે શિક્ષણ મેળવ્યું હતું, દિલ્હીમાં મહાપરિનિર્માણ સ્થળ અને મુંબઈમાં ચૈતન્ય ભૂમિ એમ આ પાંચ સ્થળોએ પંચતીર્થનું નિર્માણ કરવામાં આવશે. આ વર્ષે મે મહિનામાં ભાજપના અધ્યક્ષ ઉજ્જૈનમાં હતા અને તેમણે કેટલાક દલિત સંતો સાથે ક્ષીપ્રા નદીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી તેને સમરસતા સ્નાનનું નામ આપવામાં આવ્યુ હતું. ચૂંટણી પહેલા દલિતોના ઘરે ભોજન કરવું એ હવે એક રાજકીય ફેશન થઈ ગઈ છે. અમિત શાહે વારાણસીમાં દલિતો સાથે બપોરનું ભોજન લીધું હતું. આ બધી ઝાંખી પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે ઉત્તરપ્રદેશમાં ભાજપને ભાગ્યે જ દલિતોના વોટ મળશે. હૈદ્રાબાદ અને ઊનાની ઘટનાનો આઘાત ભાજપના ફાયદા માટે ભારેે પડી રહ્યો છે. આ પ્રક્રિયામાં સત્તાની દોટમાં બસપા ભાજપથી આગળ નીકળી ગઈ છે. એપ્રિલ ૨૦૧૬માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોઈડામાં સ્ટેન્ડ અપ ઇન્ડિયા સ્કીમ શરૂ કરી હતી. આ સ્કીમ અનુસૂચિત જાતિ અને મહિલાઓ માટે છે. આ સ્કીમ હેઠળ તેમને ઉદ્યોગ શરૂ કરવા રૂ. દસ લાખથી રૂા. એક કરોડ સુધીની લોન મળી શકે તેમ છે. આ સ્કીમ શરૂ કરવા માટે વડાપ્રધાને બાબુ જગજીવનરામના જન્મદિનની પસંદગી કરી હતી જે વર્ષોથી કોંગ્રેસ પાર્ટીમાં દલિત ચહેરા તરીકે રહ્યાં હતા. – અતુલ ચંદ્રા