પાણીની ટાંકી દર મહિને સાફ ના કરે તો
સણોલી ગામે પીવાના દૂષિત પાણીથી શરીરના સાંધા દુખાવાની બીમારીએ માથું ઉચકયું છે. આવા જ એક દર્દી તથા બાજુંમાં પાણીમાંથી નીકળેલ કાંકરીઓ નજરે પડે છે.
(તસવીર : સોયેબ ખત્રી, બોડેલી)
(સંવાદદાતા દ્વારા)
બોડેલી, તા.૧
બોડેલી નજીક મોરખલા પાસે આવેલ સણોલી ગામમાં પીવાનું પાણી પીવાલાયક ન હોવાથી ગામમાં પાણીજન્ય બીમારીએ માથું ઉંચકતા ગામના નાના બાળકોથી મોટી ઉંમરના બુઝુર્ગોના શરીરના સાંધા તથા પથરીના રોગોનો વાવર વધયો છે. ગ્રામજનોએ તંત્રને રજૂઆત કરતા તંત્ર પાણીના નમૂના લઈ જાય છે પરંતુ કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.
સંખેડા તાલુકાના સણોલી ગામે ઘણા સમયથી પીવાના પાણીમાં નાની કાંકરીઓ જોવા મળે છે. અને દર મહિને પાણી સંગ્રહ કરવાની ટાંકી આ કાંકરીઓ જામ થતાં સાફ કરવી પડતી હોય છે. આ પાણીનો ગ્રામજનો પીવામાં વપરાશ કરે છે. જેના લીધે ગામાં નાના બાળકો,યુવાનો અને મોટી ઉંમરના બુઝુર્ગોના શરીરમાં સાંધાનો દુઃખાવો અને પથરીની બીમારી થાય છે. વારંવાર દવાખાનેથી સારવાર લઈને આવતા ફરી આ બીમારીઓ થઈ જાય છે. જેના લીધે ડોક્ટર પીવાનું પાણી બદલાવા જણાવે છે. પરંતુ પાણીનો બીજો કોઈ સ્ત્રોત ના હોવાની મજબૂરીમાં આ પાણી પીવં પડે છે. મોટી ઉંમરના બુઝૂર્ગોના શરીરના હાથપગની આંગળીઓ પણ વાંકી થઈને દુઃખે છે. લકવાની અસર પણ જોવા મળે છે. ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે બહારથી આવેલ મહેમાન જો બેથી ત્રણ દિવસ રહે છે તો મહેમાનના શરીરના સાંધા દુઃખે છે. જેથી ગામમાં મહેમાનો રોકાવવાનું પસંદ કરતા નથી. ગ્રામજનોએ તંત્રને પીવાના પાણી માટે ઘણીવાર રજૂઆત કરી છે પરંતુ તંત્ર નમૂના લઈને ગાયબ થઈ જાય છે. જેથી પીવાના પાણી માટે તંત્ર બીજા કોઈ રસ્તો કાઢે તેવી પ્રજાની માંગ છે અને તંત્ર વિરૂદ્ધ ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.