બોડેલીના ફતેનગરનો મુખ્ય માર્ગ ગટરના ખોદકામને લઈ નર્કાગાર !

(સંવાદદાતા દ્વારા) બોડેલી, તા.ર૪
બોડેલીના અલીપુરા વિસ્તારના ફતેનગરના મુખ્ય માર્ગ પર ગટર લાઈન ખોદી આડેધડ પુરાણ કરતા મુખ્ય માર્ગની બિસમાર હાલત થઈ છે. માર્ગ પર ગંદકી અને કિચડના ઢગલાં થઈ ગયા છે. જેને લઈને રાહદારીઓએ ઘરનાં ઓટલા ઉપરથી પસાર થવું પડે છે. અને દ્વિચક્રી વાહન લઈ પસાર થતાં લોકો કિચડોમાં ગબડી પડે છે. તો વળી ખાડા ખોદતા પીવાના પાણીની લાઈનને નુકસાન થતાં અડધા ઉપરના વિસ્તારોમાં છેલ્લાં ર૦ દિવસથી પાણીની સમસ્યા સર્જાઈ છે. આ વિસ્તારના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને ગ્રામપંચાયતની કામગીરી સામે રોષ ભડકી ઉઠ્યો છે.
બોડેલીના અલીપુરા ડેપો પાછળ આવેલા ફતેનગરમાં વીસથી પચ્ચીસ દિવસ અગાઉ ગટર લાઈનના કામ ચાલુ કરાયું હતું. જેને લઈને ફતેનગર મુખ્ય માર્ગને ગ્રામપંચાયત ખોદી નાખ્યો અને ત્યારબાદ ધોધમાર વરસાદ ચાલુ થતાં આખા માર્ગ પર કિચડ ગંદકીના ઢગ થઈ ગયા છે. પીવાની લાઈનોને પણ નુકસાન થતાં અડધાથી વધુ ઘરોમાં પીવાના પાણીની સમસ્યાઓ સર્જાઈ છે. આ વિસ્તારના રહીશો કાદવ-કીચડ રહીને અડધોથી એક કિલોમીટર દૂર સંજરી પાર્કમાંથી પીવાનું પાણી ભરી લાવવું પડે છે. રાહદારીઓ એકબીજા ઘરના ઓટલા ઉપરથી પસાર થાય છે અને નાના બાળકો અને વૃદ્ધો ઘણીવાર લપસી જતાં નાની-મોટી ઈજાઓ પણ થાય છે. જ્યારે આજ રોડ ઉપરથી આગળ ધાર્મિક સ્થળ અને શાળાએ જવા માટે પણ વિદ્યાર્થીઓ કિચડમાં રહીને જાય છે. જ્યારે અમુક ગટરના ખાડા ખૂલ્લાં હોવાથી બાળકો ખાડામાં પડવાનો ભય રહીશોને સતાવી રહ્યો છે.
છેલ્લાં ઘણાં સમયથી હાલાકી ઉઠવતા રહીશો આ અંગે ગ્રામપંચાયતમાં રજૂઆતો કરી ચૂક્યા છે. પરંતુ તે લોકો આવીને જોઈને ચાલ્યા જાય છે. ગતરોજ રહીશો ભેગા થઈ ગ્રામપંચાયત સામે વિરોધ વ્યકત કર્યો હતો. ગ્રામપંચાયત વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી ઉગ્ર માંગ કરી છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks