દરબારી પડતર જમીનનો આરોપીઓએ ગેરકાયદેસર રીતે બોગસ દસ્તાવેજ બનાવ્યો

અમદાવાદ, તા.૧૩
ધંધુકા તાલુકાના બાજરડા ગામે ધાર્મિક સ્થળની જગ્યા તથા દરબારી પડતર જાહેર રસ્તાની જમીનનો ગેરકાયદેસર બોગસ દસ્તાવેજ કરી માલિકી કરાતા ગામના રહીશ અમીરભાઈ ધારશીભાઈ વસોયાએ જિલ્લા કલેક્ટર ધંધુકા મામલતદાર પોલીસ કમિશનર, અમદાવાદ ડીએસપી અમદાવાદ તથા પોલીસ ઈન્સ્પેક્ટર ધંધુકાને ફરિયાદ કરી આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. ધંધુકાના બાજરડા ગામે અમીરભાઈ ધારશીભાઈ વસોયા પોતાના કુુટુંબ કબિલા સાથે રહે છે અને પોતાનું સ્વતંત્ર માલિકી કબજા ભોગવટાનું મકાન ધરાવે છે. તેમના મકાનની પૂર્વતરફ દરબારી પડતર જમીન આવેલી છે. તેઓને મકાનના નેવા પાડવાનો તથા દીવાલના રિપેરિંગ કરવાનો હક્ક છે. તેમની મિલકતની પૂર્વ દિશા દરબારી પડતર રસ્તા પૈકી જમીનની દિશા તરફ આરોપી અસ્માલભાઈ ગફુરભાઈ વડદરિયાનું મકાન આવેલ છે. આ મકાન આરોપીના પિતા ઉમરભાઈ જીવાભાઈએ તા.૧૦/૬/૧૯૮૨ના રોજ તખુબેન મગનલાલ સોલંકી પાસેથી વેચાણ રાખેલ આ મકાન તખુબેન સોલંકીએ અમે ૧૯૬૦માં લીંબડી ઠાકોર સાહેબ પાસેથી વેચાણ રાખેલ લીંબડી ઠાકોર સાહેબનો દસ્તાવેજ જોવામાં આવે તો મકાનની ચર્તુદિશામાં પૂર્વ તરફ અરિયાન રસ્તો તથા કુંભાર હરજી કુંવરાનું મકાન તથા પશ્ચિમ તરફ રામાપીરનું મંદિર આવેલ છે. આ મંદિર પાડી આરોપીઓએ મકાન બનાવી દીધેલ છે તેમજ મંદિરની જગ્યામાં ગેરકાયદેસર કબજો કરી લીધો છે. મકાનની ઉત્તર તરફ દરબારી પડતર જમીન આવેલી છે. આ દરબારી પડતર જમીન અરજદારના મકાનના પાછળના ભાગમાં તથા દક્ષિણ દિશા તરફ નેવાલી આવેલ છે. લીંબડી ઠાકોર સાહેબ દ્વારા મકાનના દસ્તાવેજમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આ દરબારી પડતર જમીનનું વેચાણ થઈ શકે નહીં તથા દસ્તાવેજમાં કયાંય પણ આ દરબારી પડતર જમીનના વેચાણનો ઉલ્લેખ નથી. આવી દરબારી પડતર જમીનનો ફક્ત રસ્તા માટે ઉપયોગ કરવાનો હોય છે તેમ છતાં આરોપીઓ (૧) ગફુરભાઈ ઉમરભાઈ વડદરિયા, (ર) અસ્માલભાઈ ગફુરભાઈ વડદરિયા, (૩) ગનીભાઈ સુલેમાનભાઈ સંઘરિયાત, (૪) તખુબેન મગનલાલ સોલંકીએ મેળાપીપણું કરી આ દરબારી પડતર જમીન તેમની માલિકીની ન હોવા છતાં જમીનનો ગેરકાયદેસરનો દસ્તાવેજ તા.૨૧/૬/૧૯૯૬ના રોજ ઊભો કરેલ. આ ગેરકાયદેસરના દસ્તાવેજમાં વેચાણ આપનાર તરીકે તખુબેન મગનલાલ સોલંકી હતા તેમજ વેચાણ લેનાર તરીકે ગફુરભાઈ ઉમરભાઈ વડદરિયા હતા. આ દરબારી પડતર જમીનનો ગેરકાયદેસર દસ્તાવેજ બનાવ્યા બાદ જમીનનો કબજો કરી જમીનની આગળના ભાગમાં લોખંડનો દરવાજો મૂકી દીધેલ છે તેમજ અરજદારને તેમના મકાનની દીવાલનું સમારકામ કરવા માટે આરોપી ગફુરભાઈ ઉમરભાઈ વડદરિયા તથા અસ્માલભાઈ ગફુરભાઈ વડદરિયા જવા દેતા નથી તેમજ યેનકેન પ્રકારે તેમની દીવાલને નુકસાન કરી હેરાન-પરેશાન કરી રહ્યા છે તેમજ અવાર-નવાર ધાકધમકી આપી રહ્યા છે તેમજ અરજદાર વિરૂદ્ધ ખોટી ફરિયાદો પોલીસ સ્ટેશનમાં દાખલ કરી છે. આ દસ્તાવેજ બનાવવામાં જે-તે સાક્ષીઓનો પુરો હાથ છે. તેવા સાક્ષી તરીકે (૧) અહેમદભાઈ અસ્માલભાઈ વડદરિયા, (ર) અકબરભાઈ સુલેમાનભાઈ સંઘરિયાતનો હાથ છે. જેઓ તેમના નજીકના સગા છે. જેઓએ સાથે મળીને ખોટા પુરાવા ઊભા કર્યા છે. અકબરભાઈ સુલેમાનભાઈ પોતે સરકારી નોકરી કરે છે. તેઓએ પોતાની ઓળખાણ અને પૈસાના જોરે આ દસ્તાવેજ બનાવ્યાનો અરજદારે આક્ષેપ કર્યો છે. ઉપરોકત જગ્યામાં આવેલ ૧૦ ફૂટનું નેવાળીના પાણીના નિકાલ માટે જે તે ટાઈમે લીંબડી સ્ટેટના દસ્તાવેજમાં બોલે છે તથા પીરની જગ્યા સ્ટેટના દસ્તાવેજમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે હાલ આ લોકોએ રામાપીરની જગ્યાનો તથા પાણી નિકાલના મેળિયા (નવેળ)નો કબજો કરી ગેરકાયદેસર ગેટ મૂકેલ છે. આ જગ્યા બંદરથી ર૦ ઈસમોના મકાનોના પાણી આ નેવાળીમાંથી પસાર થઈ બહાર નીકળે છે. આ સિવાય આગળ જે સરકારી ખુલ્લી જગ્યામાં બીજા ૧૦થી ૧પ ઘરના નેવા પડે છે તે સરકારી ખુલ્લી જગ્યાનો ગેરકાયદેસર દસ્તાવેજ બતાવી કબજો કરેલ છે. આ અંગે આરોપી ગફુરભાઈ ઉમરભાઈ વડદરિયા, અસ્માલભાઈ ગફુરભાઈ વડદરિયા, અકબરભાઈ સુલેમાનભાઈ સંઘરિયાત, અહેમદભાઈ અસ્માલભાઈ વડદરિયા, ગનીભાઈ સુલેમાનભાઈ સંઘરિયાત વિરૂદ્ધ દરબારી પડતર જમીનમાં ગેરકાયદેસર દસ્તાવેજ બનાવવા બાબતે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ ચીટીંગની ફરિયાદ દાખલ કરી આરોપીઓને પકડી તેમની સામે યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે. આ અંગે અમીરભાઈ વસોયા ધંધુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવા ગયેલ પરંતુ સામેવાળાના દબાણમાં આવી તેમની ફરિયાદ ન લીધી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. અમીરભાઈની ફરિયાદ સંદર્ભે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કચેરી, ધંધુકા દ્વારા તાલુકા વિકાસ અધિકારી તથા પોલીસ સબઈન્સ્પેક્ટરને રામદેવ પીરના મંદિરની જગ્યા દરબારી પડતર જાહેર રસ્તાની જમીનો ગેરકાયદેસર બોગસ દસ્તાવેજ કરીને માલિકી કરાતા સ્થળ તપાસ કરી રસ્તો તથા મંદિરની જગ્યા ખુલ્લી કરવા જણાવાયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks