બોગસ પાસપોર્ટ કૌભાંડમાં ચાર આરોપીના જામીન કોર્ટે આકરા વલણ સાથે ફગાવ્યા

અમદાવાદ,તા. ૩૦
બોગસ પાસપોર્ટના આધારે વિદેશ મોકલવાના કૌભાંડનો ગુજરાત એટીએસના અધિકારીઓએ પર્દાફાશ કરી પકડેલા ચાર આરોપીઓના સાત દિવસના રિમાન્ડ પૂરા થયા હતા. જેથી, આ કૌભાંડમાં પકડાયેલા અમદાવાદના આરોપી જીતેન્દ્ર રમેશભાઇ પટેલ, પ્રવીણ શંકરભાઇ માંગેલા, ખાલીદ અને સંજય હરિભાઇ પટેલે બોગસ પાસપોર્ટ કૌભાંડમાં કરેલી જામીન અરજી અમદાવાદ ગ્રામ્ય કોર્ટના ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ જે.એલ.ચોવટીયાએ આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. આરોપીઓના જામીન ફગાવાતાં ચારેય આરોપીઓએ ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટમાં પોતાની જામીન અરજી ફાઇલ કરી છે, જેની સુનાવણી આવતીકાલે નીકળે તેવી શકયતા છે. થોડા દિવસ પહેલાં એટીએસના અધિકારીઓએ એક મહત્વના ઓપરેશનમાં અમદાવાદના આરોપી જીતેન્દ્ર રમેશ પટેલ, પ્રવીણ શંકર માંગેલા, ખાલીદ અને સંજય હરિ પટેલ એમ ચાર આરોપીઓને ઝડપી લઇ તેઓની પાસેથી આઠ બોગસ પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અત્યારસુધીમાં આ તમામ આરોપીઓએ અન્ય આરોપીઓની સાથે મળીને એકબીજાના મેળાપીપણામાં ૭૦થી વધુ બોગસ પાસપોર્ટ બનાવ્યા હોવાનો ચોંકાવનારો ખુલાસો પણ થયો હતો. બોગસ પાસપોર્ટના આ કૌભાંડમાં મૂળ પોરબંદરનો વતની પરંતુ હાલ યુ.કે(લંડન) ખાતે રહેતા આરોપી પ્રતાપ ઓડેદરા નાસતો ફરતો હોઇ પોલીસે તેને પકડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા હતા. બોગસ પાસપોર્ટ કૌભાંડના આ કેસમાં પકડાયેલા ચારેય આરોપીઓ જામીન અરજીનો સરકારપક્ષ દ્વારા સખત વિરોધ કરાયો હતો અને જણાવાયું હતું કે, આરોપીઓ ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા છે. તેઓની પાસેથી સંખ્યાબંધ બોગસ પાસપોર્ટ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત થયો છે. ખૂબ જ સંવેદનશીલ એવા આ કેસની તપાસ હજુ ચાલુ છે અને નાજુક તબક્કામાં છે. આ સમગ્ર કૌભાંડમાં હજુ પણ કેટલાક આરોપીઓ નાસતા ફરે છે ત્યારે આવા તબક્કે આરોપીઓને જામીન આપી શકાય નહી, અન્યથા કેસની તપાસને ગંભીર હાનિ થવાની શકયતા છે. કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઇને પણ આરોપીઓના જામીન ફગાવી દેવા જોઇએ. સરકારપક્ષની આ દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચારેય આરોપીઓને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો. બીજીબાજુ, જામીન રદ થતાં ચારેય આરોપીઓએ સેશન્સ કોર્ટમાં જામીનઅરજી ફાઇલ કરી હતી, જેની સુનાવણી આવતીકાલે હાથ ધરાય તેવી શકયતા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks