(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા. ૫
આણંદ તાલુકાના લાંભવેલ બોરીયાવી રોડ ઉપર બોરીઆવી ગામની સીમમાં આવેલા જીવનઆનંદ અનાથ આશ્રમમાં રહેતી બાળાઓ સાથે અનાથ આશ્રમના સુપ્રીન્ટેન્ડન્ટ દ્વારા થયેલી જાતીય સતામણીની ઘટના બહાર આવતાં ખળભળાટ મચી જવા પામ્યો છે અને પોલીસે આ બનાવમાં પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ કરતાં વધુ બે બાળકીઓ સાથે જાતીય સતામણી થઈ હોવાનું બહાર આવ્યું છે.
મળતી વિગતો અનુસાર આણંદના જીવનઆનંદ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જીવનઆનંદ અનાથ આશ્રમ બોરીયાવી ગામે આવેલું છે. જેમાં એક એનઆરઆઈ દાતા દ્વારા દાન આપવામાં આવે છે. આ અનાથ આશ્રમમાં ૧૭ બાળકીઓ નિવાસ કરે છે. છેલ્લા આઠેક માસથી અનાથ આશ્રમનો ટ્રસ્ટી અને સુપ્રીન્ટેન્ડન્ટ મૈનેષ પરમાર દ્વારા કેટલીક બાળકીઓની છેડછાડ કરી જાતીય સતામણી કરવામાં આવતી હતી. જે અંગે બાળકીઓ દ્વારા અન્ય ટ્રસ્ટી જોયેલ પરમારને જાણ કરવામાં આવી હતી. અને આ અંગે જોયેલ પરમારે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સહિત અધિકારીઓને પણ બાળકીઓ સાથે થઈ રહેલી જાતીય સતામણીની રજૂઆત કરી હતી. તેમ છતાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને આ માટેની કમિટી દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહીં અને જેના કારણે આ બાબતે પોલીસ અધિક્ષક મકરંદ ચૌહાણ સમક્ષ રજૂઆત કર્યા બાદ આ અંગે પોલીસ અધિક્ષકના આદેશથી આણંદ ગ્રામ્ય પોલીસે મૈનેષ પરમાર વિરૂદ્ધ જાતીય સતામણી અંગે પોસ્કો એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. આ અંગે જાણવા મળ્યા મુજબ મૈનેષ પરમારની જીવનઆનંદ ચેરીટેબલ ટ્રસ્ટમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. જેથી રોષે ભરાયેલો મૈનેષ પરમાર પોતાના અન્ય સાથીઓ સાથે અનાથ આશ્રમ ઉપર ગયો હતો અને ટ્રસ્ટીઓ સાથે ધાકધમકી આપી હતી. જેથી પોલીસે હાલમાં ધાકધમકી આપવાના ગુનામાં તેની ધરપકડ કરી હતી અને મોડી સાંજે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેની પોસ્કો એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી
આ અંગે પોલીસના જણાવ્યા મુજબ મૈનેષ પરમારે ચાર બાળકીઓ સાથે છેડછાડ કરી જાતીય સતામણી કર્યા હોવાના બાળકીઓના નિવેદન મળ્યા છે. જ્યારે અન્ય વધુ બે બાળકીઓ સાથે પણ જાતીય સતામણી થઈ હોવાનું ખુલ્યું છે. જે અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે મૈનેષ પરમાર એક નવું ટ્રસ્ટ તૈયાર કરી ભાડે જગ્યા રાખી આ તમામ બાળકીઓ તે નવી જગ્યાએ શીફ્ટ કરવાનો હતો. જેના કારણે બાળકીઓની વધુ જાતીય સતામણી થવાની ભીતિ હતી. પરંતુ તે પુર્વે જ આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. અને જેમાં મૈનેષ પરમારની પોલીસે ધરપકડ કરી છે.