આણંદ તા.૨
આણંદ શહેરમાં બોરસદ ચોકડી પાસેથી ગતરોજ મોડી રાત્રીના સુમારે એસઓજી પોલીસે બાતમીના આધારે ભારતીય ચલણમાંથી રદ્દ થયેલી રૂ.૫૦૦ અને ૧૦૦૦ની રૂ.૧૬ લાખની ચલણી નોટો સાથે ચાર શખ્સોને ઝડપી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે.પોલીસે તેઓની પાસેથી રદ્દ થયેલ નોટો,એક્ટીવા અને અલ્ટો ગાડી મળી કુલ રૂ.૧૮.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા ચારેય શખ્સોને વધુ તપાસ અર્થે ઈન્કમટેક્ષ વિભાગને હવાલે કરવામાં આવ્યા છે.ઈન્કમ ટેક્ષ વિભાગે આ કાળું નાણું છે કે નહી તથા તેની પાસે પૈસા ક્યાંથી આવ્યા વગેરે બાબતો અંગે તપાસ હાથ ધરી છે.
આણંદ એસઓજી પીએસઆઈ આર.વી.વીંછી તથા સ્ટાફના જવાનો ગતરાત્રીના સુમારે પેટ્રોલીંગમાં નીકળ્યા હતા ત્યારે બાતમી મળી હતી કે બે ઈસમો એક્ટીવા લઈ બોરસદ ચોકડી પાસે રદ્દ થયેલ ભારતીય ચલણી નોટો કમિશનથી બદલવા આવનાર છે.આ બાતમીના આધારે સ્ટાફના જવાનોએ બોરસદ ચોકડી પાસે વોચમાં હતા ત્યારે એક સફેદ એક્ટીવા લઈને બે ઈસમો આવીને ઉભા હતા ત્યારે એક અલ્ટો ગાડી લઈને બે ઈસમો આવતા એક્ટીવાની ડીકીમાંથી થેલી કાઢીને અલ્ટોમાં મુકતા વોચમાં ઉભેલ પોલીસે કોર્ડન કરીને તેઓને ઝડપી પાડ્યા હતા.પોલીસે થેલીમાં જોતા ભારતીય ચલણમાંથી રદ્દ થયેલી રૂ.૧ હજાર અને રૂ.૫૦૦ના દરની મળી કુલ રૂ.૧૬ લાખની નોટો મળી આવી હતી.જેથી તેઓના નામ પુછતા વિનેશ ઉર્ફે ટીક્કુ જશભાઈ પટેલ રહે. કેરીયાવી તા.નડીયાદ, કુમુદચંદ્ર કેશવલાલ પટેલ રહે. ઘનશ્યામપાર્ક સોસાયટી વિદ્યાનગર,ઉજલ રાજેન્દ્રભાઈ કોન્ટ્રાક્ટર રહે.સરદાર ભુવનના ખાંચામાં વૈદગલી રાવપુરા વડોદરા અને અજય મનહરભાઈ પટેલ રહે.ગોરવા ગામ વૈદવાળું ફળીયું તા.જિ.વડોદરા હોવાનું જણાવ્યું હતું.
પોલીસે તેઓની પુછપરછ કરતા આ નોટો વડોદરાના ઉજલ અને અજય પાસે હતી પરંતુ જે તે વખતે આ નોટો કોઈ કારણોસર બદલી નહી શકતા આ નોટો ૧૫ ટકા કમિશનથી બદલી આપવાના હોઈ તેઓ આણંદ આવ્યા હતા.જેથી પોલીસે રદ્દ થયેલી નોટો,કાર અને એક્ટીવા મળી કુલ રૂ. ૧૮.૨૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે ઈન્કમટેક્ષ વિભાગને જાણ કરતા અધિકારીઓ એસઓજી પોલીસ મથકે દોડી ગયા હતા અને આ કેસની વધુ તપાસ હાથમાં લઈ આ કાળું નાણું છે કે કેમ તે જાણવા તેઓના બેંક એકાઉન્ટ અને ધંધાની વિગતો ચકાસવાની કાર્યવાહી હાથ ધરી છે.