(એજન્સી) બોસ્ટન,તા.૭
ભોપાલમાં આઠ કાચાકામના કેદીઓ (અન્ડર ટ્રાયલ્સ)ની એન્કાઉન્ટરમાં તાજેતરમાં કરાયેલી હત્યાનો વિરોધ કરવા ઐતિહાસિક બોસ્ટન કોમન ખાતે બોસ્ટનના સંખ્યાબંધ લોકો એકત્ર થયા હતા. મોટા ભાગના વક્તાઓએ કાચા કામના કેદીઓને ત્રાસવાદીઓ ગણાવવા એ ખોટંુ છે એ વાત પર ભાર મૂક્યો હતો કારણ કે તેમની સામે અદાલતમાં આરોપો પુરવાર થવાની વાત તો એક બાજુ પર રહી પરંતુ તેમની વિરુદ્ધ ત્રાસવાદને લગતા કોઇ આરોપ પણ ન હતા.
આ એન્કાઉન્ટરની અદાલતી તપાસ કરવા માટે ઇન્કાર કરનાર મ.પ્ર.ના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની ચોમેરથી ટીકા થઇ હતી. વક્તાઓએ કાયદાનો ભંગ કરવા બદલ તેમજ આદિવાસીઓ, દલિતો અને મુસ્લિમોની હત્યા બદલ ભારતીય સત્તાવાળાઓની વધતી જતી નિર્લજ્જતા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ દેખાવોમાં ભાગ લેનાર કેટલાક લોકોએ ન્યૂયોર્કમાં કોન્સલ જનરલ ઓફ ઇન્ડિયાને એક પિટિશન મોકલી છે જેની મુખ્ય વિગતો આ મુજબ છે. આ પિટિશનમાં નાગરિકોએ જણાવ્યું છે કે તેઓ મ.પ્ર પોલીસ દ્વારા ૮ કાચાકામના કેદીઓની એન્કાઉન્ટરમાં કરાયેલી હત્યાના સમાચારથી ખૂબ જ વ્યગ્ર છે. આ અગાઉ દોઢેક વર્ષ પૂર્વે આંધ્ર પ્રદેશમાં અલેર ખાતે આવંુ જ એન્કાઉન્ટર થયું હતું જેમાં પોલીસ દ્વારા પાંચ મુસ્લિમ કાચા કામના કેદીઓની હત્યા કરવામાં આવી હતી. તેના પહેલા ચંદનના દાણચોરો તરીકે ગણાવીને ૨૪ આદિવાસીઓનું પણ એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. આ પિટિશનમાં બોસ્ટનના નાગરિકોએ નીચે મુજબ માગણી કરી છે.
૧. અમને એ વાતની ચિંતા છે કે ભારતમાં સરકારી સત્તાવાળાઓ દ્વારા કનડગતની સતત ધમકી હેઠળ વંચિત લોકોની જીંદગી ખતરામાં છે.
૨. અમે ભારત સરકારને એન્કાઉન્ટ તેમજ કસ્ટડીમાં થયેલા મૃત્યુના તમામ કિસ્સાઓમાં અદાલતી તપાસ હાથ ધરવા જણાવીએ છીએ.
૩. અમારી માગણી છે કે તાજેતરના એન્કાઉન્ટરમાં પક્ષપાતી ભૂમિકા બદલ મ.પ્ર.ના વર્તમાન મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણની હકાલપટ્ટી કરવામાં આવે.