(સંવાદદાતા દ્વારા) ધોળકા, તા.૧૮
ભાવનગર ડિવિઝન હેઠળના બોટાદ-ગાંધીગ્રામ (અમદાવદા) મીટરગેજ રેલવેલાઈન પર રેલવે તંત્ર દ્વારા છેલ્લા રપ દિવસથી ટ્રેનો બંધ કરી દેવામાં આવતાં આ રૂટની ટ્રેનોમાં અપડાઉન કરતા સંખ્યાબંધ નોકરિયાતો, મુસાફરો તથા વિદ્યાર્થીઓ રઝળી પડ્યા છે. આથી ગાંધીગ્રામ-ધંધુકા રેલ એન્ડ રોડ પેસેન્જર એસોસિએશનના સેક્રેટરી ધીમંત ભટ્ટ (ધોળકાવાળા)એ ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજરને લેખિત રજૂઆત કરી બોટાદ-ગાંધીગ્રામ રૂટ પર પુનઃ ટ્રેનો ચાલુ કરવા માગણી કરી છે.
આ રજૂઆતમાં જણાવાયું છે કે બોટાદ-ગાંધીગ્રામ વચ્ચે ચાલતી મીટરગેજ ટ્રેનો તા.ર૪/૭-૧૭થી બંધ છે. આ તમામ ટ્રેનો આજદીન સુધી બંધ છે.
આ ટ્રેનો બંધ રહેવાથી બોટાદ, જાળીલા, ભીમનાથ, તગડી, ધંધુકા, હડાળા-ભાલ, લોથલ-ભુરખી, અરણેજ, કોઠ, ગોપનેશ્વર, ધોળકા, સાલજડા, બાવળા, મટોડા, મોરૈયા, સરખેજ, વસ્ત્રાપુર અને ગાંધીગ્રામ સુધી અપડાઉન કરતા મુસાફરો અને ટિકિટ ધારકોને ઘણી જ મુશ્કેલીઓ પડે છે. આ મુસાફરોમાં પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, બેંકોના કર્મચારીઓ, વકીલો તથા કોલેજ તથા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેઓ પાસ ધારકો છે અથવા ટિકિટ ધારકો છે અને જે રોજ અપડાઉન કરે છે તેમાં પણ બાવળા જી.આઈ.ડી.સી. કેરાલા જી.આઈ.ડી.સી. તેમજ ચાંગોદર જી.આઈ.ડી.સી.માં ખાનગી કંપનીઓમાં નોકરી કરતા વ્યક્તિઓ કે જેઓનો માસિક પગાર ૭,૦૦૦થી ૮૦૦૦ની વચ્ચે હોય છે. તેઓને બસ તથા અન્ય ખાનગી વાહનોમાં અપડાઉન કરવું પોષાય તેમ નથી. નાછૂટકે તેમને પોતાની નોકરી છોડી દેવી પડે તેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થઈ ગયેલ છે અને પોતે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાની રોજીરોટી છીનવાઈ જવાના ડરથી આપઘાત કરવા સુધીની પરિસ્થિતિ આવી શકે છે. જો આવી પરિસ્થિતિ ઉત્પન્ન થઈ તો તેની સઘળી જવાબદારી રેલવે તંત્રની રહેશે.
રેલવે તંત્ર એક જ રટણ કરે છે. લોલિયા ડીપમાં પાણી હોવાથી અને ટ્રેક ખરાબ હોવાથી ટ્રેનો ચાલુ થઈ શકે તેમ નથી. કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબે પણ ડિવિઝનલ રેલવે મેનેજર સાથે પણ વાત કરેલ છે તો તમને પણ એક જ જવાબ આપવામાં આવે છે. ટૂંક સમયમાં ટ્રેન ચાલુ થઈ જશે તો પણ આજદીન સુધી ટ્રેનો ચાલુ કરવામાં આવેલ નથી.
લોલિયા ડીપમાં અથવા તગડી ડીપમાં પાણી આવે છે ત્યારે માત્ર તે ટ્રેક પૂરતી જ ટ્રેનો બંધ રાખવામાં આવતી હોય છે અને બોટાદથી હડાળા-ભાલ અને લોથલ-ભુરખીથી ગાંધીગ્રામ સુધી ટ્રેનો ચાલુ રહેતી હતી.
આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલીવાર આ રેલવે ટ્રેક ઉપર આટલા બધા દિવસો સુધી ટ્રેનો બંધ રહેલ છે અને આ ટ્રેનો બંધ રહેવા પાછળ માત્રને માત્ર ભાવનગર રેલવે તંત્ર જ જવાબદાર છે અને આ રેલવે ટ્રેક જાણે માત્ર ચલાવવા પૂરતો ચલાવાતો હોઈ તેમ લાગે છે અને રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ આ ટ્રેક ઉપર પૂરતું ધ્યાન આપતા નથી. અને જાણે બંધ જ કરી દેવાનો હોય તેવું વર્તન કરે છે. નાના સરખા ટ્રેકમાં જો રેલવે તંત્ર આટલા આટલા દિવસો છતાં પણ જો સમારકામ ન કરી શકે તો તે શરમજનક બાબત છે.
અમારા પેસેન્જર એસોસિએશનના હોદ્દેદારોને પ્રાથમિક તબક્કે એવી જાણ થયેલ છે કે તા.૧-૧૧-૧૭થી આ મીટરગેજમાં પરિવર્તન કરવાની કાર્યવાહી થઈ શકે છે. જો કદાચ તે કારણોથી પણ આ ટ્રેનો ત્યાં સુધીના સમયગાળા દરમ્યાન પણ ન ચલાવવામાં આવતી હોય તો પણ તે કારણ વ્યાજબી નથી અને આ અઢી માસના સમયગાળા દરમ્યાન પ્રજાને, મુસાફરોને, પાસ ધારકોને અને ટિકિટ ધારકોને પણ ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો લોલિયા ડીપમાં પાણી આવવાથી આ ટ્રેક ખરાબ હોય તો અમારી અરજ છે કે બોટાદથી હડાળા-ભાલ અને લોથલ-ભુરખીથી ગાંધીગ્રામ સુધી ટ્રેનો સત્વરે ચાલુ કરવી.
જો આ ટ્રેનો ચાલુ ન થાય તો અમારે ના છૂટકે લોક આંદોલન, ઉપવાસ, અનસન જેવા કાર્યક્રમો ભવિષ્યમાં આપવા પડશે અને તેની સઘળી જવાબદારી ભાવનગર રેલવે તંત્રની રહેશે.