(સંવાદદાતા દ્વારા) સુરત. ૨૫
સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે બીઆરટીએસ તેમજ સીટી બસની સેવા જાહેર જનતા માટે શરૂ કરવામાં આવેલ જેમાં બીઆરટીએસ અંતર્ગત કુલ ૯ કોરિડોરમાં કુલ ૧૬૬ બસો તેમજ સીટી બસ અંતર્ગત ૩૦ સીટીબસ રૂટમાં કુલ ૨૭૫ સીટીબસો કાર્યરત કરવામાં આવેલ છે. બીરટીએસ સેવા કુલ ૧૦૨ કિ.મી. તથા સીટી બસ સેવા કુલ ૨૯૦ કી.મી. શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ છે.
હાલમાં બીઆરટીએસ બસોમાં શહેરના તમામ કોરીડોર ઉપર બસની ફ્રિકવન્સી વધારવામાં આવેલ છે. તેમજ સીટીબસ રૂટોમાં પણ નવી બસો ઉમેરવામાં આવેલ છે. જે અંતર્ગત દરેક રૂટ ઉપર બસની ફ્રિકવન્સી પણ વધારવામાં આવેલ છે. બીઆરટીએસ તેમજ સીટીબસોના રૂટોને કનેક્ટીવિટી મળતા પેસેન્જરોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયેલ છે. તા.૧૯-૭-૨૦૧૮ના રોજ બીઆરટીએસમાં ૧ લાખથી વધુ પેસેન્જર નોધાયેલ હતા અને તા.૨૩-૭-૨૦૧૮ના રોજ બીઆરટીએસમાં કુલ ૧,૦૫,૦૦૦ થી વધુ પેસેન્જરો તેમજ સીટીબસમાં કુલ ૯૮૦૦૦ થી વધુ પેસેન્જરો મળી કુલ ૨,૦૩,૦૦૦થી વધુ મુસાફરોએ જાહેર પરિવહન સેવાનો લાભ લીધેલ છે. આમ સૌપ્રથમવાર બીઆરટીએસ અને સીટીબસ બંને મળી કુલ ૨.૦૩ લાખથી વધુ મુસાફરોએ બસોમાં મુસાફરી કરેલ છે.
જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરની બીઆરટીએસ બસ તેમજ સીટીબસ સેવાનો ઉપયોગ શહેરની પ્રજા કરી રહી છે. જેમાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ બીઆરટીએસ અને સીટી બસ સેવાની આરામદાયક, સુરક્ષિત અને સલામત મુસાફરીનું માધ્યમ છે. જેના વધુ ઉપયોગથી શહેરમાં ટ્રાફિકની સમસ્યા તેમજ શહેરના પ્રદૂષણમાં પણ નાેંધપાત્ર ઘટાડો કરી શકાશે. સુરત મહાનગરપાલિકા અંતર્ગત શરૂ કરવામાં આવેલ જાહેર પરિવહનનો ઉપયોગ વધુમાં વધુ નાગરિકો કરી શહેરના ટ્રાફિક અને પ્રદૂષણમાં ઘટાડો કરવા મદદરૂપ થવા અપીલ કરવામાં આવે છે.