(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૫
ગુજરાતમાં રાજ્યસભાની ૪ બેઠકો માટે તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી, એ ચૂંટણીનો BTPએ પોતાની માંગણીઓ પૂરી થઈ ન હોવાના આક્ષેપ સાથે બહિષ્કાર કર્યો હતો. હાઈ વોલ્ટેજ ડ્રામા વચ્ચે ભાજપે ૩ અને કોંગ્રેસે ૧ બેઠક પર જીત હાંસિલ કરી હતી. કોંગ્રેસે એક બેઠક પર હારનો સામનો કરાવવા પાછળ મ્ઁએ મતદાન ન કરી ભાજપને આડકતરી રીતે ફાયદો કરાવ્યું હોવાના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા.
ત્યારે હવે BTPના MLA પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ પોતાના જીવને જોખમ હોવાની દેહશત વ્યક્ત કરી રાષ્ટ્રપતિને સુરક્ષાની માંગ કરતો પત્ર લખતા એક નવો વળાંક આવ્યો છે. BTPના MLA પિતા-પુત્ર છોટુભાઈ વસાવા અને મહેશ વસાવાએ રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, BTPએ અનુસૂચિ ૫ અને આદિવાસીઓના સંવિધાનીક હકોની અમલવારી ન હોવા મુદ્દે રાજ્યસભા ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. અમે બન્ને છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક ન્યાય બાબતે અવાજ ઉઠાવી રહ્યા છે, સમાજમાં વર્ગ વિગ્રહનો માહોલ વધી રહ્યો છે. અસમાનતાને લીધે સામંતાવાદી લોકોને સામાજિક એકતા પસંદ નથી, જેથી સામાજિક વિઘટન થઈ રહ્યું છે. તેમણે પત્રમાં આગળ લખ્યુ કે, દેશમાં શાંતિનો માહોલ બનાવી રાખવો જરૂરી છે. અમારા જીવને જોખમ છે. ભૂતકાળમાં પણ છોટુ વસાવાનું નકલી એન્કાઉન્ટરનું ષડયંત્ર ગુજરાત સરકાર પોલીસ અને કેટલાક અસામાજિક તત્વો દ્વારા રચાઈ ચૂક્યું છે અને ભવિષ્યમાં પણ એવું થવાની સંભાવના છે. અમારા પર જાન લેવા હુમલો થવાની સંભાવનાઓને લીધે અમારી સુરક્ષા વ્યવસ્થા કરવી અનિવાર્ય થઈ પડી છે. જો અમારી સુરક્ષા બાબતે અનદેખી કરાશે તો એની જવાબદારી પ્રસાશનની રહેશે. કૃપા કરી વહેલી તકે અમારી સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી માંગ છે. પિતા-પુત્રએ પત્રમાં મીડિયા પર પણ આક્ષેપ લગાવતા જણાવ્યું કે, રાજકીય પાર્ટીમાં વિભાજીત પ્રિન્ટ મીડિયા અમારી વિરુદ્ધ બદનામીના નિવેદનો કરી તણાવ વધારે છે. પોતાની મહત્વકાંક્ષા અને લોભ ખાતર બન્ને પિતા-પુત્રએ ભાજપની પહેલેથી તૈયાર કરેલી સ્ક્રિપ્ટ મુજબ છેલ્લી ઘડીએ મત ન આપી આડકતરી રીતે ભાજપ તરફ ગુલાંટ મારી છે. તેઓએ પોતાની ભાજપ વિરોધી વિચારધારાને કોરાણે મૂકી માત્રને માત્ર લોભ ખાતર પોતાના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે ત્યારે મીડિયા પર આક્ષેપ કેટલો યોગ્ય એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે.