બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અટવાયો : પાલઘર ગામના લોકોએ કહ્યું , અમારી મંજૂરી જોઈએ ? તો અમને પહેલા ડૉકટર, સ્ટ્રીટલાઈટ, દવાઓ આપો

(એજન્સી) તા.૧૮
સરકારના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ સામે એક પછી એક નવા પડકારો ઊભા થઇ રહ્યાં છે. મહારાષ્ટ્રના પાલઘર ગામના લોકો હવે સરકાર સમક્ષ એવી એવી માગણીઓ કરી રહ્યાં છે કે જેથી સરકારનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઘોંચમાં જતો દેખાય છે. ગામના લોકોએ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતુંં કે જો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અમારી મંજૂરી જોઇતી જ હોય તો સૌથી પહેલા અમને તળાવ, એમ્બ્યુલન્સ, સોલાર સ્ટ્રીટ લાઇટ અને ડોક્ટર તથા દવાઓ આપો. અમારી આ માગણીઓ પૂરી કરો ત્યારબાદ અમે તમારી યોજનાઓ કે પ્રોજેક્ટ વિશે મંજૂરી આપવા અંગે વિચારીશું. જોકે ગામના લોકોના પડકાર અને પ્રતિકારને કારણે ધી નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ સામે આગામી ર૦રર સુધીમાં આ પ્રોજેક્ટ પૂરું કરી લેવું મુશ્કેલ દેખાઇ રહ્યું છે. કેમ કે હજુ તો જમીનોનું અધિગ્રહણ જ આ મામલે અટવાય તેવી પરિસ્થિતિ દેખાઇ રહી છે. જોકે પાલઘર સહિત અનેક ગામના લોકોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સામે સરકાર સમક્ષ અનેક શરતો મૂકી દીધી છે જેને સરકારને પૂરી કરવા કહેવાયું છે. લગભગ ર૩ જેટલા ગામડાઓ આ અમદાવાદ મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે અવરોધરુપ બની ગયા છે. એનએચઆરસીએલ સામે તેના કારણે જ દરેક જમીનમાલિક સાથે વ્યક્તિગત મુલાકાત કરવી મુશ્કેલ થઇ ગઇ છે. જોકે આ કારણે જ એનએચઆરસીએલએ જણાવ્યુંં છે કે પહેલા અમે ગામે ગામે જઇને ચોકમાં તમામને આ પ્રોજેક્ટ વિશે સમજાવવા માટેની તૈયારી કરી હતી જે હવે મુશ્કેલ દેખાઇ રહી છે અને આ જ કારણે હવે અમે ગામના સરપંચ સાથે જ આ મામલે ચર્ચા કરીશું અને તેમનાથી લેખિતમાં જવાબદારી માગીશું તથા સીધા જમીનમાલિક સાથે ચર્ચા કરીશું અને તેમને વધારાનું વળતર ચૂકવીશું અને તેમની જમીનો ખરીદવાનો પ્રયાસ કરીશું એમ એનએચઆરસીએલના પ્રવક્તા ધનંજય કુમારે કહ્યું હતુંં. નોંધનીય છે કે પાલઘરમાંથી લગભગ ૧૧૦ કિમીનું કોરિડોર પસાર થશે. આ પ્રોજેક્ટ લગભગ પ૦૮ કિમીનું છે. જેના માટે ૩૦૦ હેક્ટર જમીનની જરુર પડશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts