બુરહાન વાનીના ગુણગાન ગાનાર પાક. પર ભારતના આકરા પ્રહાર

(એજન્સી) નવી દિલ્હી, તા.૯
ભારતે આજે જણાવ્યું હતું કે પાકિસ્તાન હિઝબુલ મુજાહિદ્દીનના ઉગ્રવાદી બુરહાન વાનીને મહાન ગણાવી એના વખાણો કરી ત્રાસવાદને સમર્થન આપી રહ્યું છે. એ વાતને સમર્થન મળી જાય છે. પાકિસ્તાનના આ કૃત્યની બધા જ પાડોશી દેશોના સેનાધ્યક્ષોએ નિંદા કરી છે. ગયા વર્ષે ૮મી જુલાઈએ સેના સાથે અથડામણ દરમિયાન બુરહાન વાની માર્યો ગયો હતો. એ પછી સમગ્ર કાશ્મીરમાં હિંસા ફાટી નીકળી હતી જે મહિનાઓ સુધી ચાલી હતી જેમાં ૧૦૦થી વધુ નાગરિકોના મોત થયા હતા. જો કે આજે પણ હિંસાનો દોર ચાલુ જ છે. વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પાકિસ્તાનની ટીકા પોતાના ટ્‌વીટ દ્વારા કરી હતી. એમણે પાકિસ્તાનના સેનાધ્યક્ષ જાવેદ બાજવાની ટિપ્પણી સામે ધ્યાન ખેંચ્યું હતું. જેમણે કહ્યું હતું કે, વાનીની શહીદી કાશ્મીરીઓ માટે દાખલારૂપી રહેશે જે ભારતીય સૈન્યના અત્યાચારોની યાદ અપાવતી રહેશે. ફકત સેનાધ્યક્ષ બાજવા જ નહીં પણ પાકિસ્તાનના વડાપ્રધાન શરીફે પણ વાનીને શ્રદ્ધાંજલિ આપી હતી. ગઈકાલે વાની પ્રથમ મૃત્યુતિથિ પ્રસંગે એમણે કહ્યું હતું કે, વાનીની મૃત્યુ કાશ્મીરી સ્વતંત્રતાના સંઘર્ષમાં નવા પ્રાણ ફેંકશે. શરીફ વાનીની પ્રશંસા એવા સમયે કરી છે જ્યારે વડાપ્રધાન મોદી જી-ર૦ દેશોની મીટિંગમાં ત્રાસવાદને સમર્થન કરનાર દેશો સામે પગલાંની તરફેણ કરી રહ્યા હતા. એમનો ઈશારો પાકિસ્તાન તરફ જ હતો જે પોતાના રાજકીય લાભ માટે ત્રાસવાદને સમર્થન આપે છે. મોદીએ કહ્યું કે બધા જ ત્રાસવાદી સંગઠનો જેમ કે આઈએસઆઈએસ, લશ્કર-એ-તૈયબા, હિઝબુલ મુજાહિદ્દીનનો ઉદ્દેશ્ય એક જ છે ભલે નામો જુદા રાખ્યા છે. અમેરિકાએ હિઝબુલ નેતા સલાહુદ્દીનને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કર્યો છે. પાકિસ્તાને આ બાબત વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે આ નિર્ણય યુએનનો નથી પણ ટ્રમ્પનો છે જે ફકત ભારતને રાજી રાખવા આ પ્રકારના નિર્ણયો લે છે. સલાહુદ્દીને આ અઠવાડિયે વાનીને શ્રદ્ધાંજલિ આપતા અઠવાડિયા તરીકે ઉજવણી કરવા જાહેરાત કરી છે. ર૦૧૬માં થયેલ શ્રેણીબદ્ધ ત્રાસવાદી હુમલાઓના લીધે બન્ને દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે. આમાં બે મોટા ત્રાસવાદી હુમલાઓ પઠાણકોટ અને ઉરીમાં કરાયા હતા. જેના માટે ભારત-પાકિસ્તાનને દોષી ગણાવે છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks