આણંદના ગામડી ઓવરબ્રીજ પાસે લકઝરી બસ પલટી ખાતાં ૩૦ ઘાયલ

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૫
આણંદના ગામડી પાસે નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર આજે વહેલી સવારે ૪ વાગ્યાના સુમારે રાજકોટથી સુરત જઈ રહેલી લકઝરી બસ ગામડી ઓવરબ્રીજનાં સર્વિસ રોડ ઉપર પલ્ટી ખાઈ જતાં બસમાં સવાર ૩૦ થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા. તેઓને ત્વરીત સારવાર માટે આણંદની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. અકસ્માત સર્જયા બાદ લકઝરી બસનો ચાલક આણંદ ટાઉન પોલીસ મથકે હાજર થઈ ગયો હતો. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર સુરતનાં લકઝરી બસનાં ચાલક કિશોરભાઈ રમેશભાઈ ગત રાત્રીના ૧૨ વાગ્યના સુમારે સુરતની કીંગ ટ્રાવેલર્સની લકઝરી બસમાં ૩૫ મુસાફરો બેસાડી રાજકોટથી સુરત જઈ રહ્યા હતા. ત્યારે આજે વહેલી સવારે ૪-૩૦ વાગ્યાના સુમારે આણંદની પાસેથી પસાર થતાં નેશનલ હાઈવે નં. ૪૮ ઉપર ગામડી ઓવરબ્રીજનાં સર્વિસ રોડ ઉપરથી પસાર થતી વખતે લકઝરી બસ રોડની સાઈડમાં પલ્ટી ખાઈ જતાં વહેલી સવારે બસમાં મીઠી નીંદર માણી રહેલા ઘાયલ મુસાફરોની ચીચીયારીઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. અને જેને લઈને નજીકમાં આસપાસમાં રહેતા લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી બસમાં ફસાયેલા ૩૫ મુસાફરોને બહાર કાઢ્યા હતા. જે પૈકી ૩૦ વધુ મુસાફરોને વધતી ઓછી ઈજાઓ પહોંચી હોય તેઓને ત્વરીત સારવાર માટે ૧૦૮ ની એમ્બ્યુલન્સ વાનમાં શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. આ બનાવ અંગે ઘાયલ મુસાફર પરેશભાઈ વલ્લભભાઈ વખોટા રહે. રાજકોટ મોરબી રોડ ગ્રીન લાઈન ચોકડી નાઓએ આણંદ ટાઉન પોલીસ મથકે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જ્યારે બીજી તરફ અકસ્માત સર્જયા બાદ લકઝરી બસનો ચાલક કિશોરભાઈ રમેશભાઈ રહે. સુરત પોલીસ મથકે હાજર થઈ ગયો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts