(સંવાદદાતા દ્વારા), સુરત તા.૩૧
શહેરના ઉધના બીઆરટીએસ બસે સર્જેલા ગમખ્વાર અકસ્માત વખતે ટોળાએ કરેલા પથ્થરમારાના બનાવ અંગે ઉધના પોલીસે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરી હતી પથ્થરમારો કરીને સરકારી મિલકતને નુકસાન પહોંચાડનારની શોધખોળ હાથ ધરી છે.શહેરના ઉધના મેઈનરોડ સત્યનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે બસે બે જણાંને કચડી નાખવાની ઘટનાને પગલે વિફરેલા ટોળાંએ બસ ઉપર પથ્થરમારો કર્યાનો બનાવ અંગે ઉધના પોલીસે ૪૦ થી ૫૦ જણાંની ટોળી સામે રાયોટિંગ અને સરકારી મિલકતને નુકસાન પહોંચાડવા સંદર્ભે ગુનો દાખલ કર્યો હતો. આ પથ્થરમારાની ઘટનાની તપાસ ઉધના પોલીસ મથકના પો.ઈ. ડી.ડી. પવાર કરી રહ્યાં છે. ઉધના પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તોફાન કરનારા ટોળાંની ઓળખ માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ મંગાવવાનું શરૂ કરી દીધું છે. જોકે પથ્થરમારો કરનારાની હજુ ઓળખ થઈ શકી નથી. પોલીસે સૂત્રોના જણાવ્યા મુજબ સીસીટીવી ફૂટેજની આધારે તપાસ કરી ધરપકડનો દૌર હાથ ધરવામાં આવશે. પોલીસે હાલ આ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો છે. જેથી આવી દુર્ઘટના સમયે ત્વરિત રીતે તપાસ હાથ ધરી તોફાની ટોળાને કાબૂમાં લઈ શકાય.