(એજન્સી) લખનૌ, તા.૪
અલ્હાબાદ હાઇકોર્ટની લખનૌ બેન્ચે સૈયદ સૈફ અબ્બાસ નકવી સામેની બધી કાર્યવાહી અને કડક પગલાઓ લેવા માટે ઉત્તરપ્રદેશ સરકારને આગામી સુનાવણી સુધી મનાઈ હુકમ આપ્યો છે. નકવીને સરકારે સી.એ.એ. વિરોધ પ્રદર્શન દરમિયાન રાજ્ય સરકારને થયેલ નુકસાનની ભરપાઈ કરવા નોટિસ મોકલાવી હતી.
હાઇકોર્ટે સરકારને સોગંદનામું દાખલ કરવા ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો. એ પછી અરજદાર સૈયદ સૈફ અબ્બાસ નકવીને બે અઠવાડિયામાં સરકારના સોગંદનામાં સામે રિજોઇન્ડર રજૂ કરવા જણાવ્યું હતું. કોર્ટે કહ્યું તે સમયગાળામાં અરજદાર સામે કોઈ પણ કડક પગલાં લેવામાં નહિ આવે.
યોગી આદિત્યનાથની સરકારે ૩જી માર્ચે આદેશ જારી કર્યો હતો. જે મુજબ અરજદાર અને અન્યોને રાજ્યને થયેલ ૬૭ લાખ રૂપિયાના નુકસાન માટે વ્યક્તિગત અને સામૂહિક રીતે જવાબદાર ઠરાવવામાં આવ્યો હતો. કોર્ટે આ સાથેની અન્ય અરજીઓની સુનાવણી જાન્યુઆરીમાં રાખી હતી. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં સી.એ.એ. વિરૂદ્ધ થયેલ આંદોલન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી જેમાં સરકારી સંપત્તિને નુકસાન થયું હતું. વિરોધ પ્રદર્શન કરનારાઓને સરકારે આરોપી ઠરાવી એમની પાસેથી નાણાની વસૂલાત કરવા નોટિસો મોકલાવી હતી. જોકે આરોપીઓએ કોર્ટને જણાવ્યું હતું કે નોટિસો ગેરકાયદેસર છે. ૫૭ આરોપીઓને ૧.૫૫ કરોડ રૂપિયાની વસૂલાત માટે નોટિસો મોકલવામાં આવી હતી. આરોપીઓએ નોટિસો મોકલનાર ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટની સત્તા સામે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો.
સૈયદ સૈફ અબ્બાસ નકવીએ જણાવ્યું કે અમે કોર્ટના આદેશનું સ્વાગત કરીએ છીએ. નિર્દોષ લોકોને રિકવરી નોટિસો મોકલવાનું સરકારનું વલણ ગેરકાયદેસર છે. એ જ પ્રમાણે અન્ય આરોપી એસ.આર. દારાપુરીએ પણ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું.
અન્ય એક આરોપી દીપક કબીરે જણાવ્યું કે અમે શરૂઆતથી કહેતા હતા કે સરકારનું નોટીસ મોકલવાનું પગલું ગેરકાયદેસર છે. અમને પ્રસન્નતા છે કે કોર્ટે બધી કાર્યવાહી ઉપર મનાઈ હુકમ આપ્યો છે.