(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૯
કારેલીબાગમાં ફાયરિંગ કરી રૃા.૬ લાખની કેશ લૂંટનારા ત્રણેય લૂંટારા કેટલાક દિવસોથી શહેરમાં ખુલ્લેઆમ ફરતા હોવાની ચોંકાવનારી વિગતો જાણવા મળી છે. લૂંટારૃઓએ ફતેપુરા વિસ્તારમાં છોડી દીધેલી કાર મળી આવી છે. મુકતાનંદ ત્રણ રસ્તા પાસેના એચડીએફસી બેન્કના એટીએમની બહાર ગઇકાલે બપોરે ૧.૨૫ કલાકે કાળારંગની કારમાં આવેલા ત્રણ લૂંટારાએ કેશવાનના કસ્ટોડિયન અંકિત ઠાકોર પર તિક્ષણ હથિયારથી હુમલો કરી અને ફાયરિંગ કરી રૃા.૬ લાખની લૂંટ ચલાવી હતી.ગનમેને ફાયરિંગ કર્યું હતું પણ લૂંટારા જીવનભારતી તરફ રોંગસાઇડે ફરાર થઇ ગયા હતા.
ઉપરોક્ત બનાવ બાદ પોલીસ લૂંટારાના સગડ શોધી રહી હતી ત્યારે સવારે નવેક વાગે ફતેપુરા મંગલેશ્વર ઝાંપા સામે કોર્પોરેશનના દવાખાના બહાર લૂંટારૃઓએ છોડી દીધેલી કાળારંગની કાર બિનવારસી હાલતમાં મળી આવતા પોલીસ અધિકારીઓ દોડી ગયા હતા. પોલીસની તપાસમાં ગઇકાલે રૃા.૬ લાખની લૂંટમાં આ કારનો ઉપયોગ થયો હોવાનું બહાર આવ્યુ હતુ. આ કારની વધુ તપાસ કરાતાં હિન્દીમાં ધમકી આપનાર લૂંટારૃઓએ ગઇ તા.૨૩મીએ પરોઢિયે ૫.૩૦ વાગે નવલખી કમ્પાઉન્ડમાં પ્રાણાયામ કરતા સીનિઅર સિટિઝન પ્રદિપ યશેષચંદ્ર કદમ (રહે.દાંડિયાબજાર, પ્રતાપરોડ) નું ગળું દબાવીને તેમની કાર લૂંટી હોવાનુ ખુલ્યું છે. આમ, લૂંટારાઓ સ્થાનિક હોવાની અને શહેરમાં ખુલ્લેઆમ ફરતા હોવાની શક્યતા સેવાઇ રહી છે.