અમદાવાદ, તા.ર૮
સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રિબ્યુનલ, અમદાવાદ (CAT)ના જજ એમ નાગરાજન પહેલેથી જ ગુજરાત હાઈકોર્ટમાં એમની સામે ન્યાયિક ગેરશિસ્તની તપાસનો સામનો કરી રહ્યા છે. ત્યારે એમણે વધુ એક વિવાદિત વંશીય કથિત ટિપ્પણી કરી હતી જેનાથી એ વિવાદોમાં ઘેરાયા છે. એમણે કોર્ટની બેંચમાં બ્રાહ્મણો વિરૂદ્ધ વંશીય ટિપ્પણી કરી હતી. શહેરના એક વકીલ એમ.એમ.ત્રિવેદીએ નવી દિલ્હી ખાતે આવેલ CATની પ્રિન્સિપાલ બેંચ સમક્ષ ફરિયાદ નોંધાવી તપાસની માગણી કરી છે. એમણે જજની સામે આક્ષેપો કર્યા છે કે, એમણે પોતાના ડાયસ ઉપરથી વાંધાજનક ટિપ્પણી ૧૩મી જુલાઈએ કરી હતી. એમણે ખુલ્લી કોર્ટમાં કહ્યું હતું કે હું પછાત જાતિનો છું અને હું બ્રાહ્મણોથી નફરત કરું છું. એમણે ડાયસ ઉપરથી વાકય બે વખત દોહરાવ્યું હતું. ફરિયાદમાં જણાવાયું છે કે જ્યારે જજે ટિપ્પણી કરી હતી ત્યારે મારી સાથે અન્ય વકીલો એમ.એસ.રાવ, રૂપલ પટેલ, આભા મકવાણા, ડી.કે.પંચાલ અને પટની પણ હાજર હતા. ત્રિવેદીએ જો કે ફરિયાદમાં એ પણ જણાવ્યું છે કે આ પછી જજે આ માટે ખેદ વ્યકત કર્યો હતો અને પોતાની ટિપ્પણીને પાછી ખેંચી હતી. ત્રિવેદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, ડીઓપીટી વિભાગે એમને ક્લિનચીટ આપી છે તો એનો એ અર્થ નથી કે એ ખુલ્લી કોર્ટમાં આ પ્રકારની ટિપ્પણીઓ કરે જેથી કોઈ કોમની લાગણીઓ દુભાય. દરમિયાનમાં હાઈકોર્ટે રાજ્ય સરકારને ઠપકો આપતાં કહ્યું કે વકીલ સુનીતા ચતુર્વેદીની ફરિયાદ જેમાં નાગરાજન સામે ન્યાયિક ગેરશિસ્તના આક્ષેપો છે એની તપાસ કેસ કરવામાં આવતી નથી. કોર્ટે બે દિવસમાં રિપોર્ટ રજૂ કરવાનો આદેશ કર્યો છે. એમની સામે બીજી ફરિયાદ હાઈકોર્ટમાં ઓલ ઈન્ડિયા રેડિયોના કર્મચારીએ દાખલ કરી છે અને તપાસની માગણી કરી છે. એમણે આક્ષેપો કર્યા છે કે CATના સિંગલ જજ તરીકે સુનાવણી દરમિયાન એમણે બે જજોની ડિવિઝન બેંચના આદેશ સામે મનાઈ હુકમ આપ્યો હતો.