અમદાવાદ,તા.૬
ગુજરાત સરકાર ‘બેટી બચાવો’ અભિયાનમાં ગર્ભમાં રહેલી બાળકીઓને બચાવવા માટેના પ્રયાસ કરે છે પરંતુ જે બાળકીઓ આ દુનિયામાં જીવી રહી છે. તે બાળકીઓને બચાવવામાં રાજ્ય સરકાર અને ગુજરાત પોલીસ નિષ્ફળ રહી છે. વર્ષ ૨૦૧૪માં અમદાવાદના બહેરામપુરા વિસ્તારમાં પૂજારીની સગીર પુત્રીના અપહરણ કેસમાં પણ ગુજરાત પોલીસ નિષ્ફળ જતા કેસને હાઇકોર્ટે સીબીઆઈને સોંપ્યો હતો. જ્યારે ફરી એકવાર આવા જ ચોટીલાની યુવતીના અપહરણ કેસમાં નિષ્ફળ ગયેલી ગુજરાત પોલીસ પાસેથી તપાસ લઈ સીબીઆઈને સોંપવાની ફરજ પડી છે. ગુજરાત પોલીસ પાસે ATS અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ જેવી સુરક્ષા એજન્સીઓ છે. જે અનેક માફિયાઓ, આતંકવાદીઓ અને કુખ્યાત ગુનેગારોને ઝડપી જેલના હવાલે કરી ચુકી છે પરંતુ યુવતીઓના અપહરણ, માનવ તસ્કરી જેવા ગંભીર ગુનામાં ગંભીરતા નથી દાખવતી જેથી કેન્દ્રીય એજન્સીઓને કેસની તપાસ સોંપવી પડે છે.
બનાવોની વિગત એવી છે કે, લંપટ પ્રોફેસર ધવલ ત્રિવેદી ચોટીલાની યુવતીને ભગાડીને લઈ ગયો હોવાની તેના માતા-પિતાએ ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પણ ચોટીલા પોલીસે કોઈ તપાસ કરી ન હતી. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા અને ચોટીલા પીઆઈને વારંવાર કેસ બાબતે પૂછતાં અલગ અલગ જવાબ આપવામાં આવતા હતા. છેલ્લે ધવલ ત્રિવેદી અને યુવતીના દિલ્હીના કારોલી બાગના સીસીટીવી ફૂટેજ મળ્યા હતા. આ ફુટેજ બાદ પણ પોલીસે દિલ્હીમાં સગીરાને શોધવાનો પ્રયાસ કર્યો ન હતો. યુવતી તેના માતા-પિતાનું એક જ સંતાન છે, યુવતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. જ્યારે યુવતી ગુમ થઈ ત્યારે તેના માતા-પિતાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને તેમને હૉસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી હતી. ૨૮ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ અજાણ્યા નંબર પરથી યુવતીના પિતા પર ફોન આવ્યો હતો કે તેની પાસે ધવલ ત્રિવેદી અને યુવતીની માહિતી છે. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી છતાં પોલીસ તેને ટ્રેસ કરી શકી ન હતી.
છ મહિના વીતી ગયા છતાં ગુજરાત પોલીસને ધવલ ત્રિવેદી અને યુવતીની ભાળ મળી ન હતી. ધવલ ત્રિવેદી તેને ભગાડીને નેપાળ લઈ ગયો હોવાની શંકા હતી. જે બાબતે પણ ગુજરાત પોલીસે નેપાળમાં તપાસ કરી ન હતી અથવા તો નેપાળ પોલીસનો પણ કોઈ સંપર્ક કર્યો નહી. માત્ર આ જ યુવતી નહીં અગાઉ પણ અનેક સગીરા-યુવતીઓ આ ધવલ ત્રિવેદીનો ભોગ બની ચુકી છે. છતાં રાજ્યનું ગૃહ વિભાગ અને પોલીસ આ કેસને ગંભીરતાથી ન લીધો અને સગીરાને શોધી શકી નથી. છેવટે વ્હાલસોયી પુત્રીને શોધવા માટે તેઓને હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ કરવી પડી અને હાઇકોર્ટે કેસની તપાસ CBIને સોંપી છે.
જ્યારે બીજા બનાવમાં બહેરામપુરાની સગીરાના અપહરણ કેસમાં પણ પોલીસની નિષ્ફળતાને લઈ સીબીઆઈને તપાસ સોંપાઈ છે.
વર્ષ ૨૦૧૪માં બહેરામપુરા વિસ્તારમાંથી મિત્ર સાથે ટ્યુશન જવા નીકળેલી સગીરા અચાનક ગુમ થઈ ગઈ હતી બે દિવસ બાદ તેની મિત્ર પરત આવી ગઇ હતી પરંતુ સગીરા પરત આવી ન હતી. સમગ્ર કેસની તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપાઈ હતી. સીઆઈડી ક્રાઈમ સહિત પોલીસે તપાસ કરી હતી પરંતુ પોલીસને સફળતા મળી ન હતી. છેવટે હાઇકોર્ટે કેસની તપાસ સીબીઆઈને સોંપી છે. આજે સગીરાને ગુમ થયા ૫ વર્ષ વીતી ગયા છતાં સગીરાની ભાળ નથી મળી.