ક્રાઈમબ્રાંચની તપાસમાં અમને વિશ્વાસ ન હોવાથી CBIને તપાસ સોંપો

અમદાવાદ,તા.૨
શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતી યુવતીનું નહેરૂનગર સર્કલથી ઝાંસીની રાણીના પૂતળાના સર્વિસ રોડ પર સ્કોર્પિયો કારમાં આવેલા શખ્સોએ અપહરણ કરી તેણીની સાથે ચાલુ કારમાં જ વારંવાર બળાત્કાર ગુજારવાના અત્યંત ઘૃણાસ્પદ કેસમાં ભોગ બનનાર પીડિતાના પિતા તરફથી સમગ્ર કેસની નિષ્પક્ષ અને ન્યાયી તપાસ માટે ગુજરાત હાઇકોર્ટમાં રિટ અરજી દાખલ કરવામાં આવી છે. પીડિતા તરફથી કરાયેલી આ અરજીમાં તેના પિતાએ હાલની તપાસનીશ એજન્સી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ વિરૂધ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા અને સમગ્ર કેસની તપાસ સીબીઆઇને સોંપવા દાદ માંગી હતી. હાઇકોર્ટે કેસની ગંભીરતા ધ્યાને લઇ પીડિતાની વહેલી તકે મેડિકલ તપાસ કરાવવા નિર્દેશ કર્યો હતો. સાથે સાથે હાઇકોર્ટે સરકારપક્ષને એવી પણ ટકોર કરી હતી કે, પીડિતાને સંતોષ થાય તે પ્રકારે ફરિયાદની તપાસમાં કાર્યવાહી કરવામાં આવે તે માટે બંને પક્ષે સલાહ મસલત કરો. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલે ૨-૩૦ વાગ્યે મુકરર કરી હતી. પીડિતાના પિતા તરફથી કરાયેલી આ અરજીની અરજન્ટ સુનાવણી હાઇકોર્ટે સાંજે પાંચ વાગ્યે ખાસ કિસ્સામાં હાથ ધરી હતી. હાઇકોર્ટે અરજદારપક્ષની રજૂઆત સાંભળ્યા બાદ રાજય સરકાર, તપાસનીશ એજન્સી ક્રાઇમબ્રાંચ સહિતના પક્ષકારોને નોટિસ જારી કરી હતી. હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી આવતીકાલે રાખી હતી. ચકચારભર્યા દુષ્કર્મ કેસમાં ભોગ બનનાર પીડિતાના પિતા તરફથી કરાયેલી રિટ અરજીમાં હાલની તપાસનીશ એજન્સી શહેર ક્રાઇમ બ્રાંચની તપાસ અને ભૂમિકાને લઇ ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. એટલું જ નહી, પીડિતાના પિતા દ્વારા ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારી જે.કે.ભટ્ટ દ્વારા પીડિતાને તપાસના બહાને માનસિક ટોર્ચર કરી અભદ્ર વર્તન કર્યાની ફરિયાદ પણ કરાઇ હતી. અરજદારપક્ષ તરફથી અદાલતનું એ મુદ્દે પણ ધ્યાન દોરાયું હતુ ંકે, આવા ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર પ્રકારના કેસોમાં સુપ્રીમકોર્ટે માર્ગદર્શિકા જારી છે તે મુજબ, ૨૪ કલાકમાં પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાવું જોઇએ અને તેની ઝીણવટભરી મેડિકલ તપાસ હાથ ધરાવી જોઇએ પરંતુ પ્રસ્તુત કેસમાં નથી તો, હજુ સુધી પીડિતાનું મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધાયું કે, નથી તો તેની મેડિકલ તપાસ થઇ. ખુદ તપાસનીશ એજન્સી ક્રાઇમબ્રાંચના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જ ફરિયાદી પીડિતાને તેની ફરિયાદ અને નિવેદન બદલવા દબાણ કરી તેનું નૈતિક મનોબળ તોડવાના હીન પ્રયાસો થઇ રહ્યા છે. પોલીસના આ પ્રકારના વલણના કારણે જ આવા કેસોમાં પીડિતાઓ પોલીસ સમક્ષ જવામાંથી ટાળે છે ત્યારે હાઇકોર્ટે ક્રાઇમબ્રાંચની તપાસ અને ભૂમિકાની ગંભીર નોંધ લઇ સમગ્ર કેસની તપાસ નિષ્પક્ષ અને સ્વતંત્ર તપાસનીશ એજન્સી સીબીઆઇને સોંપવી જોઇએ. તેનું સૌથી મહત્વનું કારણ એ છે કે, ફરિયાદી પીડિતાને ક્રાઇમબ્રાંચની તપાસમાં વિશ્વાસ નથી અને તેને આ તપાસનીશ એજન્સી પાસેથી ન્યાય નહી મળે તેવી દહેશત છે. આ સંજોગોમાં હાઇકોર્ટે પીડિતાની માંગ સ્વીકારવી જોઇએ.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts