(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૪
કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ નેશનલ એલિજિબિલિટી એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ)ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓના ડેટા લીક થવાના મામલાની તપાસ કરવાનો આદેશ આપવા અને ભવિષ્યમાં આવી ઘટના ફરી સર્જાતી અટકાવવા માટે અસરકારક સુરક્ષા વ્યવસ્થા અમલી બનાવવાની માગણી કરતો પત્ર નીટની પરીક્ષા લેતી સંસ્થા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઇ)ના વડા અનિતા કરવાલને પત્ર પાઠવ્યો છે. સીબીએસઇની નીટની પરીક્ષામાં ઉપસ્થિત થયેલા બે લાખથી વધુ ઉમેદવારોના નામો, ફોન નંબર્સ અને ઇમેલ આઇડીની વિગતો સહિત અંગત ડેટા લીક થવાનો તાજેતરના મીડિયા રિપોર્ટમાં ઘટસ્ફોટ થયા બાદ રાહુલ ગાંધીએ સીબીએસઇના વડાને પત્ર પાઠવ્યો છે. રાહુલ ગાંધીએ વિદ્યાર્થીઓના અંગત ડેટા લીક થવાના મામલાની તપાસ કરવા ઉપરાંત જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવાની પણ માગણી કરી છે.
રાહુલ ગાંધીએ કરવાલને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે નીટના બે લાખથી વધુ વિદ્યાર્થીઓના અંગત ડેટા ઘણી બધી વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે. નાણા માટે કેટલાક ઓનલાઇન પોર્ટલ્સ પર વિદ્યાર્થીઓની માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. સમગ્ર દેશના નીટના વિદ્યાર્થીઓના પ્રાઇવસી સાથે બાંધછોડ કરવામાં આવી છે. મોટાપાયે અંગત ડેટાની ચોરીના અહેવાલોથી મને આઘાત લાગ્યો છે. આ ઘટના વિદ્યાર્થીઓના અંગત ડેટા લીક થતા નિવારવાની સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર છીંડા હોવાની બાબત પર પ્રકાશ પાડે છે. એટલું જ નહીં, ડેટા લીક થવાની બાબત પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતાની ખાતરી કરવાની સીબીએસઇની ક્ષમતા સામે પ્રશ્ન ઉભા કરે છે.