(એજન્સી) બેન્ગુઈ, તા.૧૭
સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકના આવેલી મસ્જિદ પર શુક્રવારે નમાઝ દરમિયાન થયેલા હુમલામાં ર૦થી વધુ મુસ્લિમોનાં મોત નિપજ્યા હતા તેમ સમુદાયના આગેવાનોએ જણાવ્યું હતું. જ્યારે બલાકા વિરોધી આતંકીઓએ મસ્જિદ પર હુમલો કર્યો, આ હુમલામાં ઓછામાં ઓછા ર૦ શ્રદ્ધાળુઓનાં મોત થયા હતા. તેમ સમુદાયના સ્થાનિક આગેવાન અબ્દોરમન બોરનોઉએ જણાવ્યું હતું. આ ઘટના દેશના દક્ષિણ-પૂર્વમાં આવેલી જિમ્બી મસ્જિદમાં ઘટી હતી. મુસ્લિમ આગેવાન ઓસમાન મોહમ્મદે જણાવ્યું કે જિમ્બીમાં જે ઘટના ઘટી તે વિનાશકારી હતી. દેશમાં ર૦૧૩થી ચાલી રહેલી સાંપ્રદાયિક હિંસામાં હજારો લોકો માર્યા ગયા છે અને હજારો લોકોએ કેમેરૂન અને છેડ જેવા પાડોશી રાષ્ટ્રોમાં હિજરત કરીને શરણ લીધી છે. ર૦૧પના અહેવાલમાં એમ્નેસ્ટી ઈન્ટરનેશનલે જણાવ્યું કે આંતરરાષ્ટ્રીય દળોની હાજરી હોવા છતાં સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિકમાં સાંપ્રદાયિક હિંસામાં પાંચ હજારથી પણ વધુ લોકોનો ભોગ લેવાયો છે, જેમાં મોટાભાગના નાગરિકોનો સમાવેશ થાય છે. દેશમાં યુએનના શાંતિ મિશન અને મલ્ટી ડાયમેન્શનલ ઈન્ટીગ્રેટેડ સ્ટેબિલાઈઝેશન મિશને આ હિંસાની સખત નિંદા કરી હતી. આ હિંસાનું પરિણામ એ આવ્યું કે તેમાં મુસ્લિમ સમુદાયના અનેક સભ્યોના મોત નિપજ્યાં. મલ્ટીડાયમેન્શનલ ઈન્ટીગ્રેટેડ સ્ટેબિલાઈઝેશન મિશન અને દેશની સરકાર પરિસ્થિતિની સમીક્ષા કરશે. વધતી જતી હિંસાને પરિણામે સ્થળાંતર કરનાર લોકોની સંખ્યામાં વધારો થયો છે. સાથે જ માનવતાવાદી કાર્યોને નબળા બનાવ્યા છે. ર૦૦૩માં તખ્તાપલટમાં સત્તા પર આવેલા ખ્રિસ્તી આગેવાન અને તત્કાલિન રાષ્ટ્રપતિ ફ્રાન્કોઈક બોઝીઝને મુસ્લિમ સેલેકા ઉગ્રવાદીઓએ હાંકી કાઢ્યા હતા ત્યારે ર૦૧૩માં સેન્ટ્રલ આફ્રિકન રાજ્યોમાં હિંસા ભડકી ઉઠી હતી. મુસ્લિમ સેલેકા અને અને ખ્રિસ્તી બલાકા વિરોધી ઉગ્રવાદીઓ વચ્ચેનો સંઘર્ષ જારી છે. બલાકા વિરોધી મિલિટિયાની રચના દેશના દક્ષિણી અને પશ્ચિમી ભાગના લોકો દ્વારા થઈ છે. જેમાં મોટાભાગના લોકો ખ્રિસ્તી છે. આ સમૂહને ખ્રિસ્તી મિલિટિયા તરીકે ઓળખવામાં આવે છે.