ચકાસણી કર્યા વિના વોટ્‌સએપ સંદેશા પ્રસારિત કરશો નહીં : રાજનાથ સિંહ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
ગૃહમંત્રી રાજનાથ સિંઘે આજે નિવેદન આપ્યું હતું કે રાષ્ટ્રવિરોધી તત્ત્વો સોશિયલ મીડિયા પર ખોટી માહિતી પોસ્ટ કરીને સમાજમાં તણાવ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે અને તેમણે લોકોને આવી માહિતી ચકાસ્યા વગર ફોરવર્ડ ન કરવા જણાવ્યું હતું. સિંઘે કહ્યું કે પાયાવિહિન અને ખોટા સમાચાર અને માહિતી નિયમિતપણે સોશિયલ મીડિયા પર પ્રસારિત થતી રહે છે અને ઘણાં લોકો તેને સત્ય ગણે છે.
શસ્ત્ર સીમા બળની ગુપ્તચર પાંખના પ્રક્ષેપણ બાદ રાજનાથ સિંઘે કહ્યું કે હું શસ્ત્ર સીમા બળના જવાનોને કહેવા માગું છું કે આવા સંદેશ પર ભરોસો ન કરે અને અન્ય કોઈને પણ તેની ચકાસણી કર્યા વગર ન મોકલે કારણ કે રાષ્ટ્રવિરોધી તત્ત્વો સમાજમાં અશાંતિ ફેલાવવા માગે છે. આપણે સૌએ આ પ્રકારની માહિતી પર વિશ્વાસ મૂકતા અને અન્ય કોઈને મોકલતા પહેલા સાવધ રહેવું જોઈએ. ૧,૭પ૧ કિલોમીટર લાંબી ઈન્ડો-નેપાલ સરહદ અને ૬૯૯ કિલોમીટર લાંબી ઈન્ડો-ભૂતાન સરહદની રક્ષા કરતા શસ્ત્ર સીમા બળની ભૂમિકા વિશે વાત કરતા રાજનાથ સિંઘે કહ્યું કે આવી ખુલ્લી સરહદો જે લોકોને વિઝા વગર અવર-જવર કરવાની અનુમતિ આપે છે. તેનું રક્ષણ કરવું એ બાંગ્લાદેશ અને પાકિસ્તાની વાડ બાંધેલી સીમાઓ કરતાં વધુ અઘરું છે. ખુલ્લી સરહદોમાં સુરક્ષાકર્મી જાણી શકતા નથી કે કોણ દેશદ્રોહી છે, અપરાધી ક્યાંથી પ્રવેશી રહ્યો છે, કોની પાસે બનાવટી નાણાં અને ડ્રગ્સ છે. ભૂતાન અને નેપાળની સરહદનો અનેક વાર અપરાધીઓ અને પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે. આ સરહદો સુરક્ષાદળો માટે એક પડકાર છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks