(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૨૮
શહેરના મુકતાનંદ ત્રણ રસ્તા પાસે આવેલા એચ.ડી.એફ.સી.ના એટીએમમાં કેસલોડ કરવા આવેલા એજન્સીના વાનની કર્મચારી ઉપર લૂંટારૂ ટોળકીએ ચાકુથી જીવલેણ હુમલો કરી રૂા.૬ લાખ ભરેલ બેગની લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. એજન્સીનાં ગનમેને લૂંટારૂ ટોળકી ઉપર ફાયરીંગ કર્યું હતું. પરંતુ ટોળકી લૂંટ ચલાવી ફરાર થઇ ગઇ હતી. ગણતરીની મિનીટોમાં લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી તેના આધારે તપાસ આરંભી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલા મુકતાનંદ સર્કલ પાસે આવેલ સ્પ્રીંગ હિલ કોમ્પલેક્ષ સ્થિત એચ.ડી.એફ.સી. બેંકનું એટીએમ આવેલું છે. આ એટીએમમાં રાઇટર સેફગાર્ડ એજન્સીની વાન આજે બપોરે રૂા.૬ લાખ એટીએમમાં લોડ કરવા આવી હતી. એજન્સીની વાનમાંથી કર્મચારી અંકિત ઠાકુર રૂા.૬ લાખ ભરેલ બેગ લઇ નીચે ઉતરી ગનમેન સાથે એટીએમ તરફ આગળ વધી રહ્યા હતા. તે દરમ્યાન બ્લેક કલરની સીફટકારમાં લૂંટારૂ ટોળકી ધસી આવી હતી. અંકિત ઠાકુર સમજે તે પહેલા કારમાં ધસી આવેલી લૂંટારૂ ટોળકી પૈકી એક લૂંટારૂ કારમાંથી નીચે ઉતર્યો હતો. અને તેને અંકિત ઠાકુરના હાથમાં રહેલ રોકડ ભરેલ બેગ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. કર્મચારી અને લૂંટારૂ વચ્ચે ઝપાઝપી થઇ હતી. પરંતુ કર્મચારીએ બેગ ન છોડતા કર્મચારીનાં હાથ અને પેટમાં ચાકુથી હુમલો કરી રૂા.૬ લાખ રોકડની બેગ લૂંટી ફરાર થઇ ગયા હતા. લૂંટારૂઓએ ફાયરીંગ કરવા માટે પોતાની રીવોલ્વર પણ કાઢી હતી. પરંતુ લૂંટારૂ ફાયરીંગ કરે તે પહેલા એજન્સીના સિક્યુરીટી ગનમેન ભગીરથ પશીએ એક રાઉન્ડ ફાયરીંગ કરી પડકાર ફેંકયો હતો. જેથી ગભરાઇ ગયેલ લૂંટારૂઓનાં હાથમાંથી રીવોલ્વર નીચે પડી ગઇ હતી. આ રીવોલ્વર લીધા વગર લૂંટારૂ ભાગી છુટયો હતો.
ભર બપોરે લૂંટના સનસનાટી ભરેલા આ બનાવને પગલે ચકચાર મચી જવા પામી હતી. વાહનોથી ધમધતા મુકતાનગર સર્કલ પાસે બનેલા ફાયરીંગના અવાજથી અને લૂંટારૂ ટોળકી દ્વારા ચાકુથી કરવામાં આવેલા હુમલાને પગલે લોકો દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ લૂંટારૂ ટોળકીના જીવલેણ હુમલાનો ભોગ બનેલ કર્મચારી અંકિત ઠાકુરને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. આ લૂંટના બનાવની જાણ થતા કારેલીબાગ પોલીસ તરત ઘટના સ્થળે દોડી આવી હતી. જોઇન્ટ પોલીસ કમિશ્નર કેસરીસિંહ ભાટી, ડીસીપી ક્રાઇમ સરોજકુમારી સહિત ક્રાઇમ બ્રાંચ સહિતની ટીમો ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. લૂંટના બનાવને પગલે શહેરમાંથી બહાર જવાના તમામ નાકાઓ પર નાકાબંધી કરી દેવાની સુચના પોલીસ દ્વારા આપવામાં આવી હતી. લૂંટના બનેલો બનાવ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી લૂંટારૂઓની ધરપકડ કરવાનાં ચક્રો ગતિમાન કર્યા હતા.