(એજન્સી) તા.૧૭
એક સમાચારપત્રના અહેવાલ મુજબ જાણીતા સંપાદક, પત્રકાર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ ચંદન મિત્રાએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. સૂત્રોના અહેવાલ પ્રમાણે મિત્ર લોકસભા ચૂંટણી પહેલાં મમતા બેનરજીના નેતૃત્વવાળી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાઈ શકે છે. જો આ અહેવાલ સાચો હોય તો ભાજપ છોડી જનાર નેતાઓની યાદીમાં મિત્રાના નામનો સમાવેશ થશે. આ પહેલાં પણ મોદી સરકાર અને ભાજપની નીતિઓથી કંટાળી યશવંત સિંહા, શત્રુઘ્ન સિંહા અને કીર્તિ આઝાદ જેવા દિગ્ગજ નેતાઓએ પાર્ટી છોડી દીધી હતી. મિત્રાના રાજીનામાથી પશ્ચિમ બંગાળ પર ભગવો લહેરાવવાનો ભાજપનો સ્વપ્ન રોળાઈ જશે એવું લાગે છે કે, મિત્રાના રાજીનામા પાછળ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીનો હાથ છે. જો કે, આ રાજીનામા અંગે હજી સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ આ વાત જગજાહેર છે કે મિત્રા ભાજપમાં થતી તેમની અવગણનાથી નારાજ છે.