સડક દુર્ઘટના માટે માત્ર ખાડાઓને જવાબદાર ગણાવી શકાય નહીં : PWD પ્રધાન ચંદ્રકાંત પાટીલ

(એજન્સી) તા.૧૬
છેલ્લા બે સપ્તાહમાં મુંબઇમાં ભારે વરસાદને કારણે રસ્તા પર પડી ગયેલા ખાડા અને તૂટી ગયેલા રસ્તાઓને કારણે પાંચ લોકોએ જીવ ગુમાવ્યા છે. વિરોધ પક્ષ આ માટે રાજ્ય સરકારને જવાબદાર ગણાવે છે. આ દરમિયાન મહારાષ્ટ્ર સરકારના એક પ્રધાને વિવાદાસ્પદ નિવેદન કરતા વિપક્ષો વધુ આક્રમક બની ગયા છે. મહારાષ્ટ્રના જાહેર બાંધકામ પ્રધાન ચંદ્રકાંત પાટીલે એવો દાવો કર્યો છે કે માર્ગ અકસ્માત માટે માત્ર માર્ગમાં પડેલા ખાડાઓને જવાબદાર ગણાવી શકાય નહીં. તેમણે જણાવ્યું હતું કે મુંબઇના રસ્તાઓ પર પાંચ લાખ લોકો પસાર થાય છે એટલા માટે કોઇ અકસ્માત માટે માત્ર રસ્તાની સ્થિતિને જવાબદાર ગણાવી શકાય નહીં. સાંગલીમાં પત્રકારો સાથેની વાતચીતમાં ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે આ પ્રકારની સડક દુર્ઘટનામાં જ્યારે તમે મોતની વાત કરો છો ત્યારે એ વાત ભૂલી જાવ છો કે અન્ય પાંચ લાખ લોકો પણ આ રસ્તા પરથી જ પસાર થાય છે. આમ માર્ગ અકસ્માત માટે તમે રસ્તાની સ્થિતિને એકલી જવાબદાર ગણાવી શકો નહીં. વિરોધ પક્ષ કોંગ્રેસે પણ પ્રધાનના આ નિવેદનને અસંવેદનશીલ ગણાવ્યું છે. રાજ્ય કોંગ્રેસના મહામંત્રી સચિન સાવંતે જણાવ્યું હતું કે ચંદ્રકાંત પાટીલ રસ્તાને લઇને લોકોના વિચારો સામે સવાલ ઉઠાવી રહ્યા છે, પરંતુ તેમને ચૂંટણી બાદ જ સમજાશે કે લોકો શું કરી શકે છે. મુંબઇ કોંગ્રેસના પ્રમુખ સંજય નિરુપમે એવો દાવો કર્યો છે કે મુંબઇ હાઇકોર્ટમાં બીએમસીએ દાવા કર્યા મુજબ મુંબઇમાં માત્ર ૩૦૦ ખાડા જ નથી વાસ્તવમાં મુંબઇની સડકો પર ૨૦૦૦ જેટલા ખાડા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડનવીસ, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને નગર નિગમના કમિશનર તેમજ મેયર સામે મુંબઇના ખરાબ રસ્તાઓને લઇને એફઆઇઆર દાખલ કરનાર છે. આ અગાઉ કોંગ્રેસે રસ્તાઓ પર ખાડાને લઇને એક અભિયાન શરુ કર્યુ હતું. તેમાં તેમણે રસ્તા પરના ખાડાઓની ગણતરી કરવાનું કાર્ય શરુ કર્યુ હતું. મુંબઇ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરુપમે મુંબઇમાં રસ્તાના ખાડાઓના મુદ્દે બીએમસીની હાંસી ઉડાવવા માટે એક અભિયાન શરૂ કર્યુ હતું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts