(સંવાદદાતા દ્વારા) આણંદ,તા.૧૦
આણંદ શહેરમાં ચિખોદરા ઓવરબ્રિજ પાસે આવેલા મહર્ષિ એપાર્ટમેન્ટમાં ટ્રેઈની કુતરાનાં પૈસાની લેતી દેતી બાબતે થયેલા ઝઘડામાં યુવાનને ચપ્પુ મારી કરપીણ હત્યા કર્યાનો બનાવ આણંદ ટાઉન પોલીસ મથકે નોંધાતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ વધુ તપાસ હાથ ધરી હતી.
મળતી વિગતો અનુસાર આણંદ શહેરમાં ચિખોદરા ઓવરબ્રિજ પાસે આવેલા મહર્ષિ એપાર્ટમેન્ટમાં ત્રીજા માળે રહેતા અર્પિત ઉર્ફે પીન્ટુ નરેન્દ્રભાઈ પટેલ ટ્રેઈની બ્રીડ કુતરાઓ વેચવાનો વ્યવસાય કરે છે, આજથી બે માસ પૂર્વે ભાલેજનાં મનન પટેલએ અર્પિત ઉર્ફે પીન્ટુ પાસેથી ૧૫ હજાર રૂપિયામાં ટ્રેઈની કુતરો વેચાણ રાખ્યો હતો, પરંતુ કુતરો થોડા દિવસ બાદ બિમાર થઈ જતા અને કુતરો મનન પટેલને પસંદ નહી આવતા મનન પટેલએ આ કુતરો અર્પિત ઉર્ફે પીન્ટુને પરત આપ્યો હતો અને પોતાનાં પૈસા પરત આપી દેવા જણાવ્યું હતું. પૈસાને લઈને તેઓ વચ્ચે વિવાદ સર્જાયો હતો અને આજે બપોરનાં સુમારે મનન પટેલ પોતાનાં ચાર પાંચ મિત્રો સાથે મહર્ષિ એપાર્ટમેન્ટમાં અર્પિત ઉર્ફે પીન્ટુ પાસે પોતાનાં પૈસા લેવા આવ્યો હતો અને જેમાં તેઓ વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા બન્ને વચ્ચે મારામારી સર્જાઈ હતી અને ઝપાઝપીમાં અર્પિત ઉર્ફે પીન્ટુએ મનન પટેલને ચપ્પુ મારી દેતા મનનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી મનન લોહી લુહાણ થઈને ત્રીજા માળેથી નીચે આવી લોહીનાં ખાબોચીયામાં ફસડાઈ પડયો હતો. જેથી મનનનાં મિત્રો તેને ત્વરીત સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તબીબોએ તેને તપાસીને મૃત ઘોષિત કર્યો હતો.
આ ઘટના બાદ અર્પિત ઉર્ફે પીન્ટું આણંદ ટાઉન પોલીસ મથકે દોડી ગયો હતો અને પોલીસ સમક્ષ તેણે સરણાગતી સ્વિકારી હતી ત્યારબાદ આ ધટનાને લઈને પોલીસ હત્યામાં વપરાયેલું ચપ્પું સોધવા માટે એપાર્ટમેન્ટમાં દોડી ગઈ હતી અને ચપ્પુની શોધખોળ હાથ ધરી હતી પરંતુ ચપ્પુ મળ્યું ન હતું. પોલીસે આ ઘટનામાં ડોગ સ્કવોર્ડની પણ મદદ લીધી હતી. આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.