રાંચી, તા. ૬
બિહારના વરિષ્ઠ રાજનેતા લાલુ પ્રસાદ યાદવ ૮૯ લાખ રૂપિયાના ચારા કૌભાંડના બીજા કેસમાં દોષિત સાબિત થયા હતા અને તેમને સ્પેશિયલ કોર્ટ દ્વારા સાડા ત્રણ વર્ષ જેલની સજા તથા પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. જોકે, એ હજુ સ્પષ્ટ થવા પામ્યું નહોતું કે, ભવિષ્યમાં તેમને જામીન મળશે કે નહીં. બીજી તરફ પટનામાં લાલુના પુત્ર તેજસ્વી યાદવે પક્ષના નેતાઓ સાથે ઇમરજન્સી બેઠક કરી કહ્યું હતું કે, ન્યાયપાલિકાએ તેનું કામ કર્યું છે, અમે ચુકાદાનો બરોબર અભ્યાસ કરીને તેને હાઇકોર્ટમાં પડકારીશું. લાલુ યાદવને આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સજા સંભળાવવામાં આવી હતી.
આ અંગે ૧૦ મહત્ત્વના મુદ્દા
૧.લાલુ યાદવના વકીલે તેમને સ્વાસ્થ્યની તકલીફને પગલે ઓછામાં ઓછી ત્રણ વર્ષની સજાની અપીલ કરી હતી. ત્રણ વર્ષ કે તેનાથી ઓછી જેલની સજા તેમને જામીન માટે યોગ્ય સાબિત કરતી હતી.
૨. લાલુ યાદવે સજા સાંભળ્યા બાદ ટિ્વટ કરી હતી કે, મારી સજા રાજકીય બદલાની ભાવનાથી પ્રેરિત છે. સજા બાદ લાલુએ ટિ્વટ કરી હતી કે, ભાજપનો એક સામાન્ય નિયમ છે કે, અમારી સાથે રહો નહીં તો અમે તમને ફસાવી દઇશું. હું સામાજિક ન્યાય, કોમી સૌહાર્દ અને સમાનતા માટે મારી મરી જઇશ.
૩. ૨૩મી ડિસેમ્બરે લાલુ યાદવને ષડયંત્ર, ખોટા દસ્તાવેજો અંતર્ગત દોષિત જાહેર કરાયા હતા. આ કેસ વર્ષ ૧૯૯૦-૧૯૯૪ વચ્ચે દેવગઢ તેહસીલમાંથી ચારા માટેના ૮૯ લાખ રૂપિયાની ઉચાપતનો કેસ છે.
૪. તેજસ્વી યાદવે કહ્યું કે, લાલુપ્રસાદ યાદવને લોકોએ ચૂંટ્યા છે જ્યારે આજે તેઓ જેલમાં છે. જેઓ ચૂંટાયા નથી અને આજે સરકારમાં છે તેવા અમિત શાહ લાલુજીથી ડરે છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી હાલ વિરોધપક્ષમાં આવી ગયા છે કારણ કે, નીતિશ કુમાર થોડા સમય પહેલા સરકાર તોડી ભાજપ સાથે મળી ગયા હતા અને સરકાર રચી હતી.
૫.ભાજપના નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે, બિહારના લોકોને હવે ન્યાય મળ્યો છે. કાયદો બધાના માટે સમાન છે. લોકોને આ સંદેશ મળી ગયો છે કે, કાયદાથી ઉપર કોઇ નથી.
૬. છેલ્લા ત્રણ દિવસથી લાલુની સજાની જાહેરાત આગળ વધીરહી હતી. બુધવારે જજે કહ્યું હતું કે, તેઓ સજાની દલીલોની સુનાવણી આલ્ફાબેટિકલ ક્રમ પ્રમાણે કરશે.
૭.લાલુ પ્રસાદ વર્ષ ૧૯૯૦-૧૯૯૭ દરમિયાન બિહારના મુખ્યમંત્રી હતા તે દરમિયાન ૯૭૦ કરોડ રૂપિયાનું ચારા કૌભાંડ સામે આવ્યું હતું.
૮. લાલુ યાદવને હવે ચારા કૌભાંડના બે કેસમાં સજા થઇ ગઇ છે. ચાર વર્ષ પહેલા તેઓ એક કેસમાં દોષિત સાબિત થયા હતા અને તેમને પાંચ વર્ષની જેલની સજા અપાઇ હતી. જોકે, તેમણે સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવ્યા હતા.
૯. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન સાથે ગઠબંધન કરી લાલુ યાદવે જેલમા વીઆઇપી સુવિધા ભોગવી હતી જે એક ગેસ્ટહાઉસમાં ફેરવાઇ ગયું હતું અને મુખ્યમંત્રી પણ તેમનેમળવા જતા હતા.
૧૦.ઝારખંડમાં હવે મુખ્યમંત્રી રઘુવરદાસની ભાજપની આગેવાનીવાળી સરકાર છે. ગત સુનાવણીમાં લાલુએ કહ્યું હતું કે, તેમને જેલમાં સુવિધા જોઇએ છે ત્યારે જજે કહ્યું કે, તમે તબલા વગાડો. જજે એવું પણ કહ્યું હતુ ંકે, તેમને લાલુ યાદવને શુભચિંતકોના ફોન આવ્યા હતા.
કોને કોને સજા થઇ
• લાલૂ યાદવ (પૂર્વ મુખ્યમંત્રી, આરજેડી વડા)
• ફુલચંદસિંહ (આઈએએસ અધિકારી)
• બેક જુલિયસ (પશુપાલન વિભાગના તત્કાલિન સચિવ)
• મહેશ પ્રસાદ (અન્ય વરિષ્ઠ અધિકારી)
• આરકે રાણા (અધિકારી)
• જગદીશ શર્મા (અધિકારી)
• રાજેન્દ્ર પ્રસાદ (અધિકારી)
• સુનીલ કુમાર (અધિકારી)
• સુધીર કુમાર (અધિકારી)
• સુશીલ કુમાર (અધિકારી)
(તમામને બાકી ત્રણ વર્ષ જેલની સજા)
મીસા ભારતીની મુશ્કેલીઓ વધી, મની
લોન્ડ્રિંગ કેસમાં EDએ ચાર્જશીટ દાખલ કરી
(એજન્સી) બિહાર, તા.૬
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ઈડી) દ્વારા ૮૦ હજાર કરોડ રૂપિયાના મની લોન્ડ્રિંગ કેસમાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવની દીકરી અને રાજ્યસભા સાંસદ મીશા ભારતી અને પતિ શેલેષ કુમાર વિરૂદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. ૮૦,૦૦૦ કરોડ રૂપિયાની મની લોન્ડ્રિંગ કેસમાં લાલુની પુત્રી મીશા ભારતીય અને જમાઈ શૈલેષ કુમાર મુખ્ય આરોપી છે. ઈડી દ્વારા મની લોન્ડ્રિંગ મામલમાંં પાછલા કેટલાય મહિનાઓથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ અગાઉ ર૩મી ડિસે.ના રોજ ઈડીએ મીશા ભારતી અને પતિ શૈલેષ કુમાર વિરૂદ્ધ પ્રથમ આરોપનામું ફાઈલ કરી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે મની લોન્ડ્રિંગ મામલે મીશા ભારતી વિરૂદ્ધ ઈડી અગાઉ પણ કેટલાય ઠેકાણે દરોડા પાડી ચૂકી છે.
ભાજપ સામે ઝુકવાના બદલે ન્યાય માટે મરવાનું જ પસંદ કરી : લાલુ
સનસનાટીપૂર્ણ ઘાસચારા કોંભાડના બીજા કેસમાં સાઢા ત્રણ વર્ષની સજા કરવામાં આવ્યા બાદ આરજેડી નેતા લાલુ પ્રસાદ યાદવે કહ્યુ હતુ કે ભાજપની સામે ઝુંકવાના બદલે તેઓ સામાજિક ન્યાય માટે મરવાનુ પસંદ કરશે. લાલુએ ટ્વીટ કરીને કહ્યુ હતુ કે ભાજપના શાસનન સામે તેઓ ક્યારેય ઝુંકશે નહી. સામાજિક ન્યાય, એકતા અને કોમી એખલાશ માટે ખુશી ખુશી મરવાનુ તેઓ પસંદ કરશે. સજા પહેલા પત્રકારો સાથે વાતચીત કરતા આરજેડીના નેતાઓએ ભાજપ અને નીતિશકુમાર ઉપર લાલૂ સામે કાવતરા ઘડવાનો આક્ષેપ કર્યો હતો. લાલૂ યાદવના પુત્ર તેજસ્વીએ પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, જો લાલૂ ભાજપ સાથે બાંધછોડ કરી લે તો રાજા હરિશચંદ્રની જેમ લાલૂ સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિ બની જશે અને સત્ય બોલનાર વ્યક્તિ બની જશે. એક બાબત સ્પષ્ટ છે કે, ભાજપ અને સંઘના લોકો લાલૂથી ભયભીત હતા. લાલૂ જેલમાં રહેશે તો પણ ગતિવિધિ તેમની ચાલુ રહેશે અને વિરોધીઓને મુશ્કેલી ઉભી કરશે. સીબીઆઈની અદાલતે આજે લાલૂને સાડા ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. આઈપીસી અને ભ્રષ્ટાચાર અટકાયત ધારાની કલમ હેઠળ લાલૂને સજા કરવામાં આવી છે. લાલૂના પુત્ર તેજસ્વીએ કહ્યું હતું કે, તેઓ સિંહ લાલૂના પુત્ર છે જેથી ભયભીત થશે નહીં. તેજસ્વીએ વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા. તેમને હોદ્દાને લઇને કોઇ લાલચ નથી. તેજસ્વીએ ઉમેર્યું હતું કે, તમામ લોકોએ તેમના ઉપર વિશ્વાસ કર્યો છે અને આ વિશ્વાસને અકબંધ રાખશે. બિહારના લોકો લાલૂની સાથે છે. લાલૂ યાદવ જેલમાં જવાથી તમામ ચીજો ખતમ થઇ જશે તેમ વિરોધી માની રહ્યા છે પરંતુ બિહારની પ્રજા તેમની સાથે છે. લાલૂને સજા કરવામાં આવે તે પહેલા આરજેડીની મહત્વની બેઠક યોજાઈ હતી જેમાં તેજસ્વીએ કહ્યું હતું કે, પાર્ટી એકમત છે. આ બેઠકમાં ધારાસભ્યો સહિત પાર્ટીના તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં લાલૂ યાદવનો પત્ર નેતાઓમાં વહેંચવામાં આવ્યો હતો. તેજસ્વીએ કહ્યું હતું કે, ચુકાદો આવ્યા બાદ લાલૂએ જેલમાંથી આ પત્ર લખ્યો હતો અને આ પત્ર જન જન સુધી પહોંચાડવા માટે લાલૂ ઇચ્છુક છે. તમામ બિહારવાસીઓમાં આ પત્ર પહોંચાડવામાં આવશે. તેજસ્વીએ કહ્યું હતું કે, આરજેડીમાં કોઇ ભંગાણ થનાર નથી. સમગ્ર પરિવારને હેરાન કરવાના પ્રયાસો થઇ રહ્યા છે. આ ચુકાદાની સામે હાઈકોર્ટમાં અપીલ કરાશે. લાલૂના પુત્ર તેજપ્રતાપે કહ્યું હતું કે, અમને આશા છે કે, લાલૂને જામીન મળી જશે.