વી.એસ.ની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ચાર્જ પણ ખાનગી જેવા

અમદાવાદ,તા.૧૦
રાજ્ય સરકારની મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના હેઠળ અંદાજે રૂ.૬૦૦ કરોડના ખર્ચે વી. એસ. હોસ્પિટલ પરિસરમાં મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ આકાર પામી રહી છે. આ હોસ્પિટલના પ્રથમ તબક્કાનું ઓગસ્ટના ત્રીજા અઠવાડિયામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાય તેવી શક્યતા છે. શહેરના શાસકોએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લોકાર્પણ હેતુ આમંત્રણ પણ પાઠવ્યું છે. દરમિયાન તંત્ર દ્વારા દર્દીઓ માટે સારવાર-નિદાન, પથારી અને ઓપરેશન વગેરેના ચાર્જ નક્કી કરાયા છે, જે મુજબ ઓપીડીના દર્દીએ રૂ. ૧૦૦ ચૂકવવા પડશે, જે પ્રથમ કન્સલ્ટન્સીના સાત દિવસ સુધી માન્ય રહેશે. બે બેઝમેન્ટ સાથે કુલ સત્તર માળ અને હેલિપેડ ધરાવતી આ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલમાં તબીબી ક્ષેત્રની મેડિકલ, સર્જરી, ગાયનેક, ઓર્થોપેડિક, ટીબી જેવી મુખ્ય શાખા ઉપરાંત કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, ગેસ્ટ્રો સર્જરી, ગેસ્ટ્રો મેડિસિન વગેરેના ઓપીડી, ઈન્ડોર વોર્ડ, ૩૨ ઓપરેશન થિયેટર, બ્લડ બેન્ક, લેબ, રેડિયોલોજી તેમજ ૫૫૦ રેસિડન્ટ ડોક્ટરના રહેવા માટેના રૂમનો સમાવેશ થાય છે. તંત્ર દ્વારા ઓપીડી ચાર્જ ઉપરાંત હોસ્પિટલની કુલ ૧૫૦૦ પથારી પૈકી જનરલ વોર્ડની ૧૩૦૦ પથારી માટે દૈનિક રૂ.૩૦૦ અને રૂ.૨૦૦, સ્પેશિયલ પથારી માટે રૂ. ૧૫૦૦થી રૂ.૨૫૦૦નો ચાર્જ નક્કી કરાયો છે. જનરલ વોર્ડમાં એક સગાંસંબંધીને બેસવા-સૂવાની સગવડ તથા સામાન મૂકવાની અલાયદી વ્યવસ્થા કરાઈ છે તેમજ દર્દીદીઠ એક ક્યૂબ બનાવીને તેની અંગત સલામતી જાળવવાનું પણ આયોજન કરાયું છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts