ચેન્નાઈ,તા.૮
દક્ષિણના રાજકારણમાં ભીષ્મ પિતામહ કહેવાતા એમ.કરૂણાનિધિનું મંગળવારના રોજ નિધન થઇ ગયું છે. જ્યારે પણ કરૂણાનિધિને જોઇએ ત્યારે કાળા ચશ્મા પહેરેલા, સફેદ કપડાંમાં પીળી સાલ સાથે જ જોવા મળે છે. તેમાંથી ચશ્માનું એક ખાસ રહસ્ય ઉજાગર થઇ ગયું છે. કરૂણાનિધિ છેલ્લા ૫૦ વર્ષથી કાળા ચશ્મા પહેરતા હતા. કરૂણાનિધિએ કાળા ચશ્મા ૧૯૬૦ની સાલથી પહેરવાનું શરૂ કર્યું હતું. જ્યારે એક અકસ્માતમાં તેમની જમણી આંખને ઇજા પહોંચી હતી ત્યારથી તેમના કાળા ચશ્મા કરૂણાનિધિની સ્ટાઇલ બની ગઇ હતી.
મૃત્યુના એક વર્ષ પહેલા સુધી કરૂણાનિધિ એક ખાસ પ્રકારના ચશ્મા જ પહેરીને રાખતાં હતાં. આ ચશ્મા સાથે કરૂણાનિધિની સફર કુલ ૪૬ વર્ષ સુધી રહી. એક લેખક, કવિ, રાજનેતા અને ત્યાર બાદ દક્ષિણ ભારતની રાજનીતિમાં સૌથી મજબુત હસ્તી બનનારા કરૂણાનિધિએ ૯૪ વર્ષની ઉંમરમાં પોતાના ચશ્માને અલવિદા કરી જર્મનીની ઈંપોર્ટેડ નવા ચશ્મા ધારણ કર્યા હતાં. વર્ષ ૨૦૧૭માં કરૂણાનિધિના ચશ્મા બદલવાનો નિર્ણય લેવામાં આવ્યો તો ચેન્નઈના જાણીતા વિજય ઓપ્ટિકલ્સે નવી ફ્રેમ માટે દેશ આખામાં ચશ્માની ફ્રેમની શોધખોળ આદરી. ૪૦ દિવસની શોધખોળ બાદ આખરે જર્મનીથી ચશ્માની નવી ફ્રેમ મંગાવવામાં આવી. આ નવા ચશ્માની ફ્રેમ વજનમાં ખુબ જ હલકી હતી અને આખરે આ નવી ફ્રેમે ૪૬ વર્ષ બાદ કરૂણાનિધિના નવા ચશ્માની જગ્યા લીધી. જોકે, નવી ફ્રેમ જુના ચશ્માની સાથે કરૂણાનિધિની રાજકીય સફર વધારે સમય ખેડી શકી નહીં.