છત્રાલના મુસ્લિમ રિક્ષા ડ્રાઈવરને અજાણ્યા શખ્સોએ માર મારતાં ગંભીર ઈજા

અમદાવાદ, તા.૩૦
છત્રાલમાં છેલ્લા કેટલાક સમયથી બે ધર્મના લોકો વચ્ચે કોમી વૈમનસ્ય ઊભુ કરવાના પ્રયાસો અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
તાજેતરમાં એક પાટીદારની હત્યા બાદ છત્રાલમાં તંગદિલીનો માહોલ હતો, ત્યારે હવે છત્રાલના મુસ્લિમ રિક્ષા ડ્રાઈવરને ત્રણ અજાણ્યા શખ્સોએ હથિયાર વડે માર મારતા રિક્ષા ડ્રાઈવર યુવાનને ગંભીર ઈજાઓ થઈ છે. ઈજાગ્રસ્ત યુવાનને વધુ સારવાર માટે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ છત્રાલમાં છેલ્લા કેટલાક દિવસોથી તંગદિલીનો માહોલ છે. ત્યાં જ છત્રાલમાં રિક્ષા ડ્રાઈવર ઈરફાન સૈયદને ત્રણ અજાણ્યા શખ્સોએ માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગત એવી છે કે છત્રાલમાં રિક્ષા ડ્રાઈવર ઈરફાન સૈયદની રિક્ષામાં મોઢા ઉપર રૂમાલ બાંધીને મુસાફરના સ્વાંગમાં આવેલો એક શખ્સ રિક્ષામાં બેસીને છત્રાલથી પાંચથી સાત કિલોમીટર દૂર અવાવરૂ જગ્યાએ લઈ ગયો હતો ત્યાં કારમાં આવેલા અન્ય બે શખ્સો સહિત રિક્ષામાં બેસેલા શખ્સે મળીને રિક્ષા ચાલક ઈરફાન સૈયદને હથોડી જેવા હથિયારથી બંને હાથ અને પગમાં માર માર્યો હતો. તે દરમ્યાન અચાનક કોઈ વાહન આવતા ત્રણેય શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જો કે ઈરફાન સૈયદ (ઉ.૩૦ રહે. છત્રાલ કસ્બાવાડ)ને ગંભીર ઈજાઓ થઈ હતી. આથી તેને વધુ સારવાર માટે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા ધારાસભ્યો ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા, કોર્પોરેટરો બદરૂદ્દીન શેખ અને હાજી અસરારબેગ મિર્ઝા વીએસ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ અંગે ઈમરાન ખેડાવાલાએ વાતચીતમાં જણાવ્યું હતું કે સમગ્ર ઘટના અંગે ગ્યાસુદ્દીન શેખ સાથે મળીને અમે રાજ્યના પોલીસ વડા સાથે ટેલિફોનિક વાત કરીને છત્રાલમાં કડક બંદોબસ્ત ગોઠવવા માટે વાત કરી છે. તેમજ સોમવારે અમે ડીજીપીને આવેદનપત્ર પાઠવી આ સમગ્ર મામલે કડક કાર્યવાહી કરી કાયદેસરના પગલા ભરવા માટે રજૂઆત કરીશું.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks