અમદાવાદ, તા.૫
અમદાવાદ શહેરમા ગત માસથી શરૂ થયેલા સ્વાઈનફલૂના કેસ તેમજ આ રોગથી મૃત્યુ પામનારાઓની સંખ્યા ઘટવાનુ નામ ન લેતી હોય એમ છેલ્લા ૨૪ કલાકમા વધુ નવા ૩૯ જેટલા કેસ નોંધાવા પામ્યા છે આ સાથે વધુ બે દર્દીઓના સારવાર દરમિયાન મોત થવા પામતા આ માસની શરૂઆતથી પાંચ દિવસની અંદર કુલ મળીને ૧૫ લોકોના મોત થવા પામ્યા છે. આ અંગેની વિગત એવી છે કે, રાજયની સાથે અમદાવાદ શહેરમા પણ આ વર્ષે ઓગસ્ટ માસની શરૂઆતથી સ્વાઈનફલૂના રોગે કહેર મચાવ્યો છે અમદાવાદ શહેરમા પુરા થયેલા ઓગસ્ટ માસમા પરિસ્થિતિ એવી જોવા મળતી હતી કે શહેરના વિવિધ વિસ્તારોમા રોજ સરેરાશ ૭૦ જેટલા કેસ નોંધાતા હતા જેની સામે ચાર થી પાંચ જેટલા લોકોના મોત થવા પામતા હતા.આ પરિસ્થિતિ સપ્ટેંબર માસની શરૂઆતથી થોડા અંશે નિયંત્રણમા આવતી હોય એમ દેખાઈ રહ્યુ છે આ માસની શરૂઆતથી આજદિન સુધીમાં કુલ મળીને ૨૦૪ જેટલા કેસ શહેરમા નોંધાવા પામ્યા છે.આ સાથે છેલ્લા ૨૪ કલાકમા થયેલા બે દર્દીના મોતના આંકને ઉમેરવામા આવે તો પાંચ દિવસમા અમદાવાદ શહેરમા પાંચ દિવસમા કુલ મળીને પંદર દર્દીઓ સારવાર દરમિયાન મોતને પામ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા પ્રમાણે હાલમા કુલ ૧૬ દર્દીઓ વેન્ટિલેટર ઉપર છે, ૧૩ જેટલા દર્દીઓ બાયપેપ ઉપર છે જ્યારે ૨૨ દર્દીઓ ઓકસીજન પર તેમજ ૧૧૫ દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમા કુલ ૧૭૮૭ દર્દીઓને રજા આપવામા આવી છે. અમદાવાદ શહેરમા મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત બે સિવિલ હોસ્પિટલોમા મળીને કુલ ૩૫૪ બેડ આઈસોલેશન વોર્ડમા તૈયાર રાખવામા આવ્યા છે. જે પૈકી હાલ આ હોસ્પિટલોમા ૧૦૯ જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. અમદાવાદ શહેરમા ચાર રાઉન્ડમા કુલ ૨૫,૨૦,૧૬૪ જેટલા ઘરોમા સર્વે કરી ૨૩,૨૩૮ જેટલા શંકાસ્પદ દર્દીઓ શોધી કાઢવામા આવ્યા છે જે પૈકી બી કેટેગરીના કુલ ૧૧૯૦ દર્દીઓને સારવાર આપવામા આવી છે.
ક્યારે કેટલા કેસ
માસ કેસ મોત
જાન્યુ. ૦૧ ૦૦
ફેબ્રુ. ૦૭ ૦૧
માર્ચ. ૧૯ ૦૨
એપ્રિલ. ૧૭ ૦૬
મે ૧૪ ૦૩
જુન ૧૬ ૦૨
જુલાઈ ૬૨ ૦૬
ઓગસ્ટ ૧૮૪૫ ૯૧
સપ્ટેમ્બર ૨૦૯ ૧૫
કુલ ૨૧૩૧ ૧૨૬