(સંવાદદાતા દ્વારા) જામનગર, તા.૩૦
જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સત્યાવીસ કિ.મી. દૂર એક કેમિકલ ભરેલા ટેન્કરનું ટાયર ફાટતા ટેન્કરે રમકડાની માફક ત્રણેક પલ્ટી મારી હતી. સદ્નસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર આવેલા ફલ્લાથી બે કિ.મી. દૂર સોયલ ગામ તરફ કેમિકલનો જથ્થો ભરી જઈ રહેલું જીજે-૬-એયુ-૫૫૩૯ નંબરનું ટેન્કર પૂરઝડપે પસાર થયું ત્યારે કોઈ કારણથી તેનું એક ટાયર ફાટતા ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. જેના પગલે ટેન્કરે પલ્ટી મારી હતી. આ ટેન્કર જ્યારે એક તરફ નમવા લાગ્યું ત્યારે જ મોત ભાળી ગયેલા ટેન્કરચાલક તથા ક્લિનરે સમયસૂચકતા વાપરી ઠેંકડો મારતા બન્ને વ્યક્તિઓનો બચાવ થવા પામ્યો છે તે પછી પલ્ટી મારેલા ટેન્કરમાંથી કેમિકલ ઢોળાવવાનું શરૃ થયું હતું. આ વેળાએ ત્યાંથી પસાર થતા અન્ય વાહનચાલકોએ પોતાના વાહન થંભાવી દીધા હતા અને કોઈએ પોલીસને જાણ કરી હતી. દોડી ગયેલા પંચકોશી-એ ડિવિઝનના પોલીસ કાફલાએ ટ્રાફિક પૂર્વવત કરાવવાની કામગીરી આરંભી હતી. વધુમાં જાણવા મળ્યા મુજબ જામનગરના મોટી ખાવડીમાં આવેલી રિલાયન્સ કંપનીમાંથી કેમિકલ ભરી સવારે રવાના થયેલું આ ટેન્કર અકસ્માતનો ભોગ બન્યું હતું. પોલીસે ઢોળાતા કેમિકલના કારણે કોઈ અન્ય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા ભર્યા હતા.