(સંવાદદાતા દ્વારા) છાપી,તા.૧૭
વડગામ તાલુકાના છાપી પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ચોરી, લૂંટ સહિત અસામાજિક પ્રવૃત્તિમાં વધારો થતા પંથકમાં લોકોમાં અસુરક્ષા સાથે ભયનો માહોલ જોવા મળી રહ્યા હતા.
છાપી સહિત વડગામ તાલુકામાં ગુનાહિત પ્રવૃતિઓમાં વધારો થતા લોકોમાં ચીંતાનો વિષય બન્યો છે. છેલ્લા બે માસમાં છાપી હાઈવે ઉપર બે દુકાનોના તાળા તોડી અંદર પડેલ કિંમત સામાનના ચોરી થવા પામી હતી. જયારે ભરડાવાડાની હોટલ ઉપર પાંચ ટ્રકમાંથી ૬૦ હજારની રોકડ સહિત મોબાઈલ તેમજ ગાડીઓના દસ્તાવેજો તસ્કરો ઉઠાવી ગયા હતા. જેનું પગેરૂં મેળવવામાં હજુ સુધી પોલીસને સફળતા મળેલ નથી. છાપી હાઈવે વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં પરપ્રાંતિય લોકો મોટી સંખ્યામાં મજુરી સહિત નોકરીઓ કરતા હોવાનું જાણવા મળ ેછે જેમાં ઉત્તરપ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના નાગરિકો પંથકમાં ગેરકાયદેસર વસવાટ કરી જિલ્લા કલેકટરશ્રીના જાહેરનામાંનો ભંગ કરતા હોવાનું પણ જાણવા મળે છે. વડગામ,છાપી પંથકમાં અસામાજિક પ્રવૃતિમાં થઈ રહેલા વધારાને અંકુશમાં લેવા જિલ્લા પોલીસવડા કાર્યવાહી કરે તેવી માગ ઉઠી છે.