(એજન્સી) નવી દિલ્હી, તા. ૧૯
ભારત સાથે ચાલી રહેલા સરહદી વિવાદ વચ્ચે ચીને તિબેટમાં મોટી સંખ્યામાં સૈન્ય સરંજામ એકઠું કરી લીધું છે. ચીનના મીડિયા અનુસાર તેણે બે સૈન્ય ક્વાયતને બહાને ઉત્તર તિબેટમાં મોટી સંખ્યામાં હજારો ટન સૈન્ય સરંજામ અને વિસ્ફોટકો મોકલ્યા છે. ચીને તિબેટના જે વિસ્તારમાં આ હથિયારો એકઠા કર્યા છે તે સિક્કિમથી આશરે ૭૦૦ કિલોમીટર દૂર છે. ચીન દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારમાં બનાવાયેલા માર્ગોની જાળને કારણે ચીનની સેના ઉત્તર તિબેટથી સિક્કિમ સુધી ફક્ત સાત કલાકમાં જ પહોંચી શકે છે. ડોકલામમાં ભારત અને ચીન વચ્ચે માર્ગ નિર્માણ અંગે તંગદિલીની સ્થિતિ છે.
ચીનની સેનાના સત્તાવાર અખબાર સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ અનુસાર આ તમામ શસ્ત્ર-સરંજામ પશ્ચિમ કમાન્ડ દ્વારા ઉત્તર તિબેટના કુનલુન પર્વતીય વિસ્તારમાં મોકલવામાં આવ્યું છે. આ કમાન્ડ તિબેટ અને શિનજિયાંગ વિસ્તારની દેખરેખ ઉપરાંત ભારત સાથે સરહદી વિવાદ માટે ખાસ મૂકાઇ છે. ચીનના અખબારમાં કહેવામાં આવ્યું છે કે, આ કામ પાછલા મહિને કરવામાં આવ્યું હતું. અખબાર અનુસાર આ શસ્ત્ર સરંજામ માર્ગ અને રેલવે માર્ગ દ્વારા સમગ્ર વિસ્તારમાં પહોંચાડવામાં આવ્યું છે. આ પહેલા ચીની મીડિયાએ જણાવ્યું હતું કે, સેનાએ ભારતના અરૂણાચલ પ્રદેશ નજીક સૈન્ય અભ્યાસ કર્યો હતો. ચીનના મીડિયાએ દાવો કર્યો હતો કે, આ સૈન્ય અભ્યાસમાં દુશ્મન દેશના વિમાનોને તોડી પાડવા અને અત્યાધુનિક ટેન્કોના ઉપયોગની ડ્રીલ કરવામાં આવી હતી. ચીનના અખબારે એક સૈન્ય કમાન્ડરના હવાલાથી લખ્યું હતું કે, તિબેટમાં ભારે સૈન્ય બંદોબસ્ત ભારત પર દબાણ સર્જવાના ઇરાદાથી કરવામાં આવ્યું છે. ચીન ઇચ્છે છે કે, ભારત ડોકલામ વિસ્તારમાંથી પોતાના સૈનિકો હટાવી લે. સિક્કિમના ડોકલામ વિસ્તારમાં ભારતની સરહદો તિબેટ અને ભૂતાન સાથે સંકળાયેલી છે. ભૂતાનના ડોકલામને ચીન પોતાનું ડોંગલાંગ ગણાવી રહ્યું છે. જો ડોકલામમાં ચીન ભારે સૈન્ય વાહનો અને ટેન્કોની અવર-જવર માટે માર્ગ બનાવી લે તો તેના કારણે ભારતની સુરક્ષાને ભારે જોખમ છે. ભારતે ચીનને મોકલેલા પત્રમાં જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે ૨૦૧૨માં આ વિસ્તારમાં યથાસ્થિતિ જાળવી રાખવાની સહમતી સધાઇ હતી.