ચાઈના માર્કેટમાં સીઆઈડી ક્રાઈમની રેડ લાખોની કિંમતની નકલી ઘડિયાળો પકડાઈ

અમદાવાદ,તા. ૫
શહેરના રિલીફ રોડ વિસ્તારમાં આવેલા ચાઇના માર્કેટમાં આજે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ દરોડા પાડતાં સ્થાનિક વેપારીઓ અને દુકાનદારોમાં જબરદસ્ત ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. સીઆઇડી ક્રાઇમે ક્સ્ટમની દુકાનો અને ખાસ કરીને ઇમ્પોર્ટેડ ઘડિયાળોની દુકાનોને ટારગેટ કરી હતી અને ત્યાં તપાસનો દોર ચલાવ્યો હતો. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ આ દુકાનોમાંથી કુલ રૂ.૬૬.૨૫ લાખની કિંમતની વિદેશી બ્રાન્ડની મોંઘીદાટ ઘડિયાળો કુલ ૧૩૨૫ નંગ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સીઆઇડી ક્રાઇમે ચાઇના માર્કેટમાં ઘડિયાળની આ દુકાનોમાં ટ્રેડ માર્ક અને કોપીરાઇટ એકટનો ભંગ કરી વિદેશી બ્રાન્ડની આંતરરાષ્ટ્રીય કંપનીની ઘડિયાળોનું ગેરકાયદે વેચાણ થઇ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે શહેરના રિલીફ રોડ પર આવેલા ચાઇના માર્કેટ ખાતે આજે સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ ભારે ગુપ્તતા સાથે અચાનક જ દરોડા પાડયા હતા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અચાનક જ પોલીસના દરોડાથી સ્થાનિક વેપારીઓ પણ ડઘાઇ ગયા હતા. સીઆઇડી ક્રાઇમના અધિકારીઓએ ઇમ્પોર્ટેડ ઘડિયાળોની દુકાનોને ખાસ નિશાન બનાવી હતી અને ત્યાં દરોડા પાડી તપાસ ચલાવી હતી. જે દરમ્યાન વ્રજભૂમિ કોમ્પલેક્ષની દુકાન નંબર-૧૦૪ અનએ ૧૧૫ ખાતેથી ટ્રેડ માર્ક અને કોપી રાઇટ એકટનો ભંગ કરી ગેરકાયદે રીતે વેચાતી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડની રોલેક્ષ, હ્યુબ્લોટ, કાર્ટીયર, ટેગ હ્યુઅર, કેસીઓ, સી.કે.પોલીસ, રાડો, લોગીનીસ વગેરે કંપનીની ૧૩૨૫ નંગ મોંઘીદાટ ઘડિયાળો મળી આવતાં તે જપ્ત કરાઇ હતી. આ ઘડિયાળોની કિંમત રૂ.૬૬.૨૫ લાખ થાય છે. સીઆઇડી ક્રાઇમે આ દુકાનના કબ્જેદારો ભરત સુરેશકુમાર આસુદાની (ઉ.વ.૨૭) (રહે. ઉર્વશી બંગલોઝ, આઇટીઆઇ રોડ, કુબેરનગર) અને ભગવાનદાસ કનૈયાલાલ મુલચંદાણી (ઉ.વ.૪૩) (રહે.લક્ષ્મી બંગલોઝષ કૃષ્ણનગર, નરોડા)ને ઝડપી લઇ તેમને કાલુપુર પોલીસને હવાલે કર્યા હતા. પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ટ્રેડ માર્ક એકટ અને કોપીરાઇટ એકટના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સીઆઇડી ક્રાઇમના દરોડાને પગલે આજે ચાઇના માર્કેટના વેપારીઓમાં ભારે ફફડાટની લાગણી ફેલાઇ ગઇ હતી. ચાઇના માર્કેટ ઉપરાંત, જૂના કૃષ્ણ થિયેટરવાળા કોમ્પલેક્ષમાં આવેલા મોબાઇલ માર્કેટ સહિતના અન્ય માર્કેટમાં અને વેપારીઓમાં પણ સીઆઇડી ક્રાઇમના દરોડાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks