(એજન્સી) બેઈજિંગ, તા.૧૧
ડોકલામ વિવાદ વચ્ચે ચીને ભારત સમક્ષ નવી રજૂઆત મૂકી છે. ચીનનું કહેવું છે કે, સિક્કિમ સેક્ટરમાં સીમા ઉકેલથી બંને દેશોએ નવી શરૂઆત કરવી જોઈએ. ચીની સેનાના નિષ્ણાત તથા દક્ષિણ એશિયા મામલાના જાણકાર વરિષ્ઠ કર્નલ ઝોઉ બોએ જણાવ્યું હતંુ કે, ૧૮૯૦માં ગ્રેટ બ્રિટેન અને ચીનની વચ્ચે કરવામાં આવેલ સમાધાનને બદલે ભારત-ચીને સિક્કિમ સેક્ટરની નવી સીમા સમાધાન પર હસ્તાક્ષર કરવા જોઈએ. જેથી તેને સામાયિક બનાવી શકાય. તેમણે કહ્યું કે, તે સમયે પીપલ્સ રિપબ્લિક ઓફ ચાઈના ન હતું કે ભારત સ્વતંત્ર પણ થયું ન હતું. આથી યોગ્ય છે કે સમાધાન પર હસ્તાક્ષરમાં ફેરફાર કરવો જોઈએ. આ સમાધાનને અત્યંત જરૂરી ગણાવતા કહ્યું હતું કે, ભારત-ચીન સરહદના પૂર્વીય, મધ્ય અને પશ્ચિમી સેક્ટરોના ક્ષેત્રનો વિવાદ છે. પરંતુ સિક્કિમ સેક્ટર પર સીમા નિશ્ચિત છે. આથી, બંને દેશોએ સરળ સમાધાનથી એક નવી શરૂઆત કરવી જોઈએ.
જ્યારે બીજી બાજુ ભારતીય વિદેશ મંત્રાલયે ૩૦ જૂનના રોજ નિવેદન આપ્યું હતું કે,૨૦૧૨માં આ સીમાંકન માટે બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. સ્પેશિયલ રિપ્રેઝેન્ટીવ ફ્રેમવર્ક હેઠળ સીમાઓ અંગે વાતચીત ચાલુ છે. હાલ બંને દેશો સંયમ વર્તે અને યથાસ્થિતિનો સ્વીકાર કરે. જ્યારે બીજી બાજુ ડોકલામ વિવાદ પર તેમણે કહ્યું કે, આ વિવાદને ખતમ કરવા માટે ચીન કોઈ સમાધાન નહીં કરે. ચીનનો દાવો છે કે, તે પોતાના વિસ્તારમાં માર્ગનું નિર્માણ કરી રહ્યું હતું અને ભારતે આ વિસ્તારમાંથી તાત્કાલિકપણે પોતાના સૈનિકોને પરત બોલાવી લેવા કહ્યું છે. જ્યારે બીજી બાજુ ભૂતાનનું કહેવું છે કે, ડોકલામ તેનો પ્રદેશ છે.