ચીનની ચાલબાજી : પોતાના નકશામાં અરૂણાચલના ૬ સ્થળોનાં નામ બદલ્યાં

બેજિંગ તા. ૧૯

ભારત દ્વારા બૌદ્ધ ધર્મગુરૂ દલાઈ લામાની અરૂણાચલ પ્રદેશની મુલાકાતની મંજૂરી આપવાને કારણે ભડકેલા ચીન વધુ એક ચાલબાજી કરી છે. ચીને  પોતાના નકશામાં અરૂણાચલના ૬ સ્થળોના નામ બદલીને જાહેર કર્યાં છે. ભારતને ઉશ્કેરનાર આ પગલાંને ચીને વ્યાજબી ઠેરવ્યું છે. ચીની મીડિયામાં એવું જણાવવામાં આવ્યું કે આ પગલાનો ઉદ્દેશ અરૂણાચલ પ્રદેશ પર ચીનના દાવાની પુષ્ટિ કરવાનો છે. ચીન અરૂણાચલપ્રદેશની દક્ષિણ તિબેટ તરીકે ગણાવી રહ્યું છે. ચીનના સરકારી માલિકીના અખબાર ગ્લોબલ ટાઈમ્સના એક લેખમાં એવું જણાવવામાં આવ્યું કે ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે એવી જાહેરાત કરી છે કે તેણે કેન્દ્રીય સરકારના નિયમો અનુસાર ૧૪ એપ્રિલના રોજ દક્ષિણ તિબેટના ૬ જગ્યાઓના નામ ચીની, તિબેટી અને રોમન વર્ણોમાં વર્ગીકૃત કર્યાં છે. જેને ભારત અરૂણાચલપ્રદેશ તરીકે ઓળખાવી રહ્યું છે. ચીને ૬ જગ્યાઓના નામ સત્તાવાર રીતે વોગ્યેનલિંગ, મિલા રી રી, મેનક્યુકા. બુમો લા અને નામાકાપુર રી રાખ્યું છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા લું કંગે મીડિયાને માહિતી આપતાં એવું કહ્યું કે અરૂણાચલપ્રદેશમાં છ જગ્યાઓના નામ ચીની નામોના વર્ગીકરણને વ્યાજબી ઠેરવ્યું છે. તેમણે ક્યું કે દલાઈ લામાની ગતિવિધિઓ ભારત સરકારની ચીન અંગેની પ્રતિબદ્ધતાની વિરૂદ્ધ છે. લૂ કંગે આ જાહેરાતના સમય અઁગેના સવાલના જવાબમાં એવું જણાવ્યું કે ચીની વિસ્તારોમાં નામોની બીજી ગણના ચાલી રહી છે. અને તેનો એક મહત્વપૂર્ણ ભાગ તેના નામોનું માનનીકરણ કરવાનો છે. ભારત અને ચીન વચ્ચે ૩૪૮૮ કિલોમીટર લાંબી વાસ્તવિક અંકૂશરેખાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એક બાજુ ચીને અરૂણાચલપ્રદેશને દક્ષિણ તિબેટ ગણાવ્યું છે તો ભારતે ભારપૂર્વક કહ્યું કે આ વિવાદમાં અકસાઈ ચીની વિસ્તારનો સમાવેશ થાય છે જે ૧૯૬૨ ના યુદ્ધ દરમિયાન ચીન દ્વારા પચાવી પાડવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં બન્ને દેશો વચ્ચે ૧૯ વાર મંત્રણા થઈ ચૂકી છે અને સરહદી વિવાદનો ઉકેલ લાવવા માટે સ્પેશિયલ પ્રતિનિધિઓની પણ નિયુક્તી કરવામાં આવી છે. તિબેટના ૮૧ વર્ષીય અધ્યાત્મિક નેતા દલાઈ લામાની અરૂણાચલ પ્રદેશની મુલાકાતથી ખફા થયેલા ચીને ભારતને એવી ચેતવણી આપી કે અમારી સાર્વભોમત્વતા અને હિતોનું રક્ષણ કરવા માટેના જરૂરી તમામ પગલાંઓ ભરવામાં આવશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts