Site icon Gujarat Today

સાચા ચોકીદારો (સૈનિકો)ની હાલત બદતર, તેઓ પૌષ્ટીક ખોરાક સહિતની સુવિધાઓથી વંચિત

અમદાવાદ,તા.૧૦
ભૂજ ખાતે ર૦૭પ ફિલ્ડ હોસ્પિટલ આર્મી મેડિકલ કોર્પસમાં લાન્સનાયક તરીકે ફરજ બજાવતા મૂળ અમદાવાદના વટવામાં રહેતા મોહંમદ ફૈયાઝે આર્મીના ઉપરી અધિકારીઓ દ્વારા સામાન્ય જવાનોને અપાતા શારીરિક-માનસિક ત્રાસની હૈયાવરાળ ઠાલવતો એક વીડિયો વાયરલ કરતાં ચકચાર મચી ગઈ છે.
આ વાયરલ થયેલા વીડિયોમાં લાન્સનાયક મોહંમદ ફૈયાઝે જે વાત રજૂ કરી છે તેમાં તેમણે એવું જણાવ્યું છે કે, મને મારી ખરેખર જે ડ્યુટી છે તે કરાવવાના બદલે મારા સિનિયર અધિકારીઓ તેમના ઘરે સફાઈ કરાવે છે. બાળકોની સાર-સંભાળનું કામ સોંપે છે. બુટપોલિસ કરાવે છે. એટલો અત્યાચાર કરે છે કે, જવાનોને આત્મહત્યા કરવા મજબૂર થવું પડે છે. મેં આ ઓર્ડલી પ્રથાનો વિરોધ કર્યો તો મને પાગલ જાહેર કરવાની ધમકીઓ મળી રહી છે. હું અન્યાય સામે લડીશ પરંતુ કાયરની જેમ આત્મહત્યા તો નહીં જ કરૂં. મને ફાંસીના માંચડે લટકાવી દેજો, પરંતુ હું ન્યાય માટે હક વાત માટે જરૂર અવાજ ઊઠાવીશ. વર્ષમાં બે વખત જ લોકોને ત્રિરંગો યાદ આવે છે. ૧પમી ઓગષ્ટ અને ર૬મી જાન્યુઆરીએ; પછી દેશભક્તિ અને જવાનોની હાલત પર કોઈ ધ્યાન આપતું નથી. રાજકીય નેતાઓએ રાજનીતિ કરવી હોય તો કરો પરંતુ સેનાનાં જવાનોને સન્માનજનક સુવિધા તો આપો. મીડિયાની ડીબેટોમાં શા માટે સેનાના જવાનોને અપાતી અપૂરતી સુવિધાની વાત કરવામાં આવતી નથી ? સેનાના જવાનોનાં પગારમાંથી પણ સરકાર ટેક્ષ કાપી લે છે. સેનાના જવાનોના પગારને ટેક્ષ ફ્રી કરવાની જરૂર છે. સેનાના જવાનોના નામે વોટ માંગતાં નેતાઓને શરમ આવવી જોઈએ. હાલ ચૂંટણીના માહોલમાં અમુક નેતાઓ સેનાના જવાનોના નામ પર મત માંગી રહ્યા છે. તેમને આપણા બહાદૂર શહીદોની લાશો પર બેસીને સરકાર બનાવવી છે. વર્ષ ર૦૦૪થી સેનામાં લાન્સનાયક તરીકે ફરજ બજાવતા મોહંમદ ફૈયાઝ સેનાનો દુરઉપયોગ કરતા શાસકોથી નારાજ છે. સેનાના જવાનોને જરૂર છે કીડાવગરના પૌષ્ટીક ભોજનની, આરામદાયક રહેઠાણની, સન્માજનક કામની. મને ભૂજથી અમદાવાદ અમારા સેનાના એક અધિકારી સાથે લઈ જવાયો. તે ગોલ્ફ રમવા અમદાવાદ આવેલા. ગોલ્ફના મેદાનમાં ઝાડુ વડે સફાઈ કરવાનું કામ કરાવાયું હતું. સેનામાં અધિકારીઓ માટે બધી જ સુવિધા છે પરંતુ જવાનો માટે સુવિધાનો અભાવ છે. અમુક નેતાઓ ચોકીદાર, ચોકીદારની બૂમો પાડી રહ્યા છે પરંતુ દેશના સાચા ચોકીદારો (સૈનિકો)ની હાલત બદતર છે. મોહંમદ ફૈયાઝે જણાવ્યું હતું કે, “જુલ્મ કરવો ગુનો છે પરંતુ જુલ્મ સહન કરવો તેના કરતાં પણ વધારે મોટો ગુનો છે. સોગંધ મુઝે ઈસ મિટ્ટી કી મૈં સેના કે જવાનો કો ભૂખે નહીં મરને દૂંગા” મોહંમદ ફૈયાઝે સેનામાં દારૂબંધીનો કાયદો લગાવવાની માંગણી કરી છે. સરહદ પર તૈનાત જવાનને વતનમાં ઘરે જવા માટે ટ્રેનોમાં શૌચાલય પાસ બેસીને મુસાફરી કરવી પડે છે. ટ્રેનોમાં મિલિટ્રી બોગીની સુવિધા હોવી જોઈએ. ગુજરાત સરકાર શહીદ જવાનના પરિવારજનોને માત્ર ચાર લાખ રૂપિયા જ સહાય આપે છે. જ્યારે મહારાષ્ટ્ર સરકાર ર૦ લાખ રૂપિયા આપે છે. હાલ સેનાનો આ જવાન મોહંમદ ફૈયાઝ ર૦ દિવસની રજા ઉપર અમદાવાદ આવેલ છે. સેનામાં ઉપરી અધિકારી દ્વારા જવાનોને અપાતા ત્રાસ અને જવાનોને મળતી અપૂરતી સુવિધાને વાચા આપતો વીડિયો વાયરલ થતાં જ લાન્સનાયક મોહંમદ ફૈયાઝને તાત્કાલિક પુનઃ ડ્યુટી પર હાજર થવા સેના દ્વારા જાણ કરવામાં આવી છે, પરંતુ આ જવાન હાલ એટલી હદે ડરી ગયો છે કે, તેને એવો ભય છે કે, તે પરત હાજર થશે તો તેની સુરક્ષા ઉપર ખતરો છે. જ્યાં સુધી મને સુરક્ષાની ખાતરી નહીં મળે ત્યાં સુધી પુનઃ ડ્યુટી જોઈન નહીં કરવા તેણે જણાવ્યું છે. સેનામાં ઉપરી અધિકારી દ્વારા અપાતા ત્રાસ અંગેની લેખિત ફરિયાદ લાન્સનાયક મોહંમદ ફૈયાઝે રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં કરી ઈચ્છા મૃત્યુની પણ માગણી કરી હતી, પરંતુ તેને કોઈ સંતોષકારક જવાબ હજી સુધી મળ્યો નથી.

Exit mobile version