ચોર્યાસીમાં આઠ અને ચીખલીમાં પાંચ ઈંચ સાથે રાજ્યના ૬૦ તાલુકામાં સારો વરસાદ

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૯
સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં બઘટાડી બોલાવ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે અને રાજ્યના ૬૦ તાલુકાને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો છે. છેલ્લા ર૪ કલાક દરમિયાન સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકામાં ૮ ઈંચથી વધુ અને નવસારી જિલ્લાના ચીખલીમાં પ ઈંચ અને જલાલપોરમાં ચાર ઈંચથી વધુ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જ્યારે નવસારીમાં પલસાણા અને મોરબીમાં ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે સવારે ૭ઃ૦૦ કલાકે પૂરા થતાં ર૪ કલાક દરમિયાન લોધિકા તાલુકામાં ૭પ મીમી, વાગરામાં ૮૪ મીમી, બારડોલીમાં ૯૧ મીમી, ઉમરગામમાં ૯૪ મીમી, વાપીમાં ૮૩ મીમી, સુરત શહેરમાં ૮૦ મીમી, રાપરમાં ૭૬ મીમી મળી કુલ સાત તાલુકાઓમાં ત્રણ ઈંચથી વધુ જ્યારે ડીસામાં પ૦ મીમી, ચોટીલામાં ૬૭ મીમી, મહુવામાં ૬૯ મીમી મળી કુલ ત્રણ તાલુકાઓમાં બે ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત રાજ્યના ગાંધીધામ, નખત્રાણા, રાધનપુર, અમદાવાદ શહેર, સંખેડા, વઢવાણ, રાજકોટ, વાંકાનેર, ખંભાળિયા, કેશોદ, માંગરોળ, તલાળા, ગારિયાધાર, વાલિયા, ગણદેવી, ખેરગામ, ધરમપુર, કપરાડા, પારડી વલસાડ મળી કુલ ર૦ તાલુકાઓમાં એક ઈંચ અને અન્ય ર૪ તાલુકાઓમાં અડધો ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો છે.
આ સાથે મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૪ર.૭૬ ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૬૬.રર ટકા, ઉત્તર ગુજરાત રીજીયનમાં ૪૧.૭૧ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત રીજીયનમાં ર૯.૩૭ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૪૯.૩૪, દક્ષિણ ગુજરાત રીજીયનમાં ૪ર.૭૦ ટકા જેટલો વરસાદ નોંધાયો છે. આજે વરસાદનું જોર ઘટતા અતિવૃષ્ટિવાળા વિસ્તારોમાં ધીમે-ધીમે પાણી ઓસરવા લાગ્યા છે અને કાદવ-કીચડ અને ગંદકીએ કબજો જમાવ્યો છે ત્યારે વહીવટીતંત્રએ સૌપ્રથમ સાફસફાઈ અને દવા છંટકાવને પ્રાથમિક્તા આપવી જોઈએ નહીં તો જેટલા મોત વરસાદમાં નોંધાયા છે. તેનાથી અનેક ગણા મોત રોગચાળાથી થઈ શકે છે.
રાજ્યમાં વરસાદી હોનારતમાં પ૮ માનવ, ૯૬પ પશુનાં મોત
મેઘરાજાએ આજે દિવસ દરમ્યાન કેટલાક વિસ્તારોમાં વરસાદે વરસવાનું ચાલુ રાખતા ૧પ તાલુકામાં ૧ ઈંચથી વધુ નોંધાયો છે. આજે સવારે ૮થી સાંજના ૬ સુધીમાં અમરેલી જિલ્લાના બગસરા તાલુકામાં ૮પ મીમી એટલે કે ૩ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં ૪પ મીમી, દેવભૂમિ દ્વારકામાં ૪૧ મીમી, કચ્છના ભૂજમાં ૪૦ મીમી, જામનગરના જોડિયામાં ૩૪ મીમી, મોરબીના વાંકાનેરમાં ૩૩ મીમી, ડાંગના સુબીરમાં ૩૩ મીમી, અમરેલીના લાઠીમાં ર૮ મીમી, વાડિયામાં ર૭ મીમી, ભરૂચના ભરૂચ ખાતે ર૭ મીમી, તાપીના ડોવલણમાં ર૭ મીમી, રાજકોટના વિંછીયામાં ૩૭ મીમી, સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા, રાજકોટના ધોરાજીમાં, તાપીના સોનગઢમાં અને ડાંગના વધઈ તાલુકામાં રપ-રપ મીમી એમ કુલ ૧પ તાલુકાઓમાં ૧ ઈંચથી વધુ વરસાદ થયો છે. રાહત નિયામક એ.જે. શાહે આ અંગેની વિગતો આપતા કહ્યું કે વરસાદના કારણે તણાઈ જવાથી, વીજળી પડવા જેવા કારણોસર અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ પ૮ માનવ મૃત્યુ નોંધાયા છે. આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ ૯૬પ પશુઓના મૃત્યુ થયા છે. વલસાડ જિલ્લામાં રાજ્ય હસ્તકના એક તથા પંચાયત હસ્તકના કુલ ૩૭ રસ્તાઓ બંધ છે. જેને પૂર્વવત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં પૂર્ણ થશે અને વાહનવ્યવહાર પૂર્વવત થશે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks