(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
શહેરના વેસુ વિસ્તારમાં કરોડો રૂપિયાની જમીનની પતાવટ કરવા માટે બિલ્ડરને કોલ કરી ખંડણી માંગનાર ગેંગસ્ટર છોટારાજનનો સાગરીત તથા સોપારી આપનાર સુરતના જમીન દલાલને ક્રાઇમ બ્રાંચ પોલીસે ઝડપી પાડ્યા હોવાનું જાણવા મળે છે.
સમગ્ર ઘટના અંગે પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ત્રણ મહિના પહેલા શહેરના જાણીતા બિલ્ડર જેણે નામ જાહેર નહી કરવાની શરતે ક્રાઇમ બ્રાન્ચ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે વેસુની કરોડો રૂપિયાની જમીનનો વિવાદ સુલઝાવવા માટે ખંડણી માંગી હતી.
સમગ્ર ઘટના અંગે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર શહેરના જાણીતા બિલ્ડર અને તેના ભાગીદારના મોબાઇલ ફોન ઉપર ત્રણ મહિના પહેલા ધમકી મળી હતી કે તેની વેસુની કરોડો રૂપિયાની જમીનનો વિવાદ ઉકેલવા માટે રૂપિયા માંગ્યા હતા અને નહીં આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપનાર ગેંગસ્ટાર છોટા રાજનનો સાગરીત શેખર હોવાનું જણાવી ધમકી આપી હોવાનું ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઇમ બ્રાંચ પોલીસે આ ઘટનામાં મોબાઇલ નંબર તથા લોકેશનના આધારે તપાસ હાથ ધરતા મુંબઇ તેમજ પુણેથી કરતો હોવાનું બહાર આવતા ક્રાઇમ બ્રાંચ પોલીસની ટીમ મુંબઇ તથા પુના રવાના થઇ હતી અને છટકું ગોઠવીને સુનીલ ઉર્ફે શેખર ઉર્ફે પ્રતાપ જાધવની ધરપકડ કરી સુરત ખાતે લઇ આવી હતી અને પુછપરછમાં જમીનનો વ્યવસાય કરોત મહિધરપુરા ગીપાશેરીમાં રહેતો મનીષ અશોકભાઇ પચ્ચીગરે જમીનનો સોદો પતાવી આપવા કામ આપ્યું હોવાનું જણાવતા પોલીસે મનીષ પચ્ચીગરની પણ ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.