છોટાઉદેપુર, તા.૨૦
છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં અઢી વર્ષની મુદ્દત પૂરી થઈ જતા નવા પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટણી છોટાઉદેપુર તાલુકા પંચાયતના સભાખંડ યોજાઈ હતી. જેમાં ૧૬ મત કૉંગ્રેસના ઉમેદવારોને મળતાં વિજેતા જાહેર થયાં હતાં. જેમાં પ્રમુખ તરીકે નંદાબેન નિલેશભાઇ રાઠવા જેઓ રંગપુર સઢલિ પંચાયતના સભ્ય છે. ઉપપ્રમુખ તરીકે રૂપાભાઇ બાબલાભાઇ રાઠવા વચલિભિતના સભ્ય છે. છોટાઉદેપુર તાલુકા પંચાયતની ૧૬ બેઠકો આવેલી છે. જેમાં ગત પંચાયતની ચૂંટણીઓમાં ૧૬ સભ્યો કૉંગ્રેસના ચૂંટાયા હતાં અને ભાજપના ૧૦ સભ્ય ચૂંટાયા હતાં. જેમાં બહુમતી કૉંગ્રેસ પાસે હોય પ્રમુખ અને ઉપપ્રમુખ અઢી વર્ષ માટે કૉંગ્રેસ બન્યા હતા. જેની મુદ્દત પૂરી થતાં બીજા અઢી વર્ષ માટે ચૂંટણી યોજાઈ જેમાં કૉંગ્રેસના બહુમતી સભ્ય હોય પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાયા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, છોટાઉદેપુર જિલ્લાની સ્થાનિક પ્રતિષ્ઠિત ગણાતી છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં ભાજપ અને કોંગ્રેસના મોવડી મંડળ દ્વારા સત્તા ટકાવી રાખવા સામે સત્તા કબજે કરવા એડી ચોટીનું જોર લગાવતા ગત બે દિવસમાં રાજકીય ગરમાવો આવી ગયેલ પરંતુ આખરે બંને પાર્ટીના ચૂંટાયેલા સભ્યોએ એકતા બતાવી હતી, જેમાં કોંગ્રેસનો વિજય થયો હતો. ભાજપની કોઈ પણ લાલચ કે લોભમાં નહીં આવીને કોંગ્રેસની એકતા બતાવી પ્રમુખ બનાવ્યા તે છે તેમ નવનિયુક્ત પ્રમુખ નંદાબેને જણાવી અઢી વર્ષ બાદની નવા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરી અને અમે સૌ સાથે મળી તાલુકાનો વિકાસ કરીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.