ચોટીકાંડ બીજું કંઇ નહીં એક તૂત છે : મુખ્યમંત્રી

અમદાવાદ,તા. ૧૪
અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયભરમાં ચકચાર જગાવનાર ચોટીકાંડ મામલે સીઆઇડી ક્રાઇમે ચોટીકાંડના તૂતનો પર્દાફાશ કરી નાંખ્યો છે કે ચોટીકાંડ બીજુકંઇ નહી પરંતુ માનવસર્જિત ઉભુ કરાયેલું તૂત છે. આજે પણ શહેરના ઓઢવ સહિત રાજયની અન્ય ચોટીકાંડની ઘટનાઓમાં મહિલાઓએ જાતે જ ચોટલી કાપી હોવાની કબૂલાત કરતાં સીઆઇડી ક્રાઇમના તારણને મજબૂત સમર્થન મળ્યું છે. આજે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ જણાવ્યું હતું કે, ચોટીકાંડ એ ખોટુ તૂત અને હંબગ વાર્તા છે. કેટલાક લોકો દ્વારા આયોજનપૂર્વકનું આ કૃત્ય છે. સીઆઇડી ક્રાઇમ ચોટીકાંડના દરેક મામલાની ઝીણવટભરી તપાસ હાથ ધરશે. કોઇએ ગભરાવાની જરૂર નથી. અલબત્ત, જે ચોટીકાંડ મામલે ખોટી અફવા કે ભયનો માહોલ ફેલાવશે તેવા તત્વો વિરૂધ્ધ કાયદાનુસાર પગલા લેવામાં આવશે. અમદાવાદ શહેરમાં ઓઢવમાં મહિલાની ચોટલી કપાયાની ઘટનામાં આજે પોલીસ તપાસમાં મહિલાએ કબૂલ્યું કે, તેણીએ જાતે જ ચોટલી કાપી હતી. બીજીબાજુ, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં એક જ દિવસમાં ૯ મહિલાઓની ચોટલી કપાઇ હતી. સુરતમાં પાંચ, કીમ ખાતે એક, પાંડેસરામાં ત્રણ અને માંગરોળ-વાપીમાં એક-એક એમ કુલ ૯ મહિલાઓની ચોટલી કપાઇ હતી. જેને પગલે સુરત અને દક્ષિણ ગુજરાતના પંથકમાં ભારે ચકચાર મચી ગઇ હતી. બીજીબાજુ, પોલીસે આ કિસ્સાઓ સંદર્ભે તપાસ હાથ ધરી લોકોને નહી ગભરાવા અને અફવાથી ગેરમાર્ગે નહી દોરાવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ગઇકાલે બનાસકાંઠાના ભાભર ગામે કિશોરીના કપાયેલા વાળ અને તેના માથાના વાળ અલગ-અલગ હોવાનો ઘટસ્ફોટ સામે આવ્યો હતો. સુરતના કિમ વિસ્તારમાં પણ એસઓજીની તપાસમાં મહિલાએ તેના દાંત વડે જ વાળ કાપ્યા હોવાનું પણ તપાસમાં ફલિત થયું હતુ. આમ, ચોટીકાંડ એ માનવસર્જીત હોવાની વાતને આધાર પુરાવા મળી રહ્યા છે. જો કે, સીઆઇડી ક્રાઇમે તેની સઘન અને ઝીણવટભરી તપાસ ચાલુ રાખી છે. અમદાવાદમાં નારોલ, ગોમતીપુર અને શીલજમાં ચાર મહિલાઓની ચોટલી કપાવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સીઆઇડી ક્રાઇમે ગઇકાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે, ચોટીકાંડ એ વાસ્તવમાં કેટલાક શખ્સો દ્વારા ઉભુ કરાયેલુ તરકટ છે. ચોટીકાંડમાં સુરત, રાજકોટ, બનાસકાંઠા સહિતના વિસ્તારોના પાંચથી છ કેસો બોગસ હોવાનું સાબિત થયું છે. કેટલાક કિસ્સામાં મહિલા કે કિશોરીના વાળ કપાયેલા વાળથી અલગ હોવાનું પણ સામે આવ્યું છે. આમ, ચોટીકાંડથી લોકોનું ધ્યાન ખેંચવા અફવાઓ ફેલાવાઇ રહી છે. સીઆઇડી ક્રાઇમે તેની તપાસમાં એફએસએલની મદદ પણ લીધી છે. સીઆઇડી ક્રાઇમે કોઇપણ પ્રકારની અફવાથી નહી દોરાવા અને ચોટીકાંડની વાતમાં કોઇ જ તથ્ય નહી હોવાનો પુનરોચ્ચાર કર્યો હતો.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts

Enable Notifications OK No thanks