
અમદાવાદ,તા.૧૧
હરિયાણામાં રહસ્યમય રીતે મહિલાઓની ચોટી કપાવાનો મામલો વિવિધ રાજયોમાં પ્રસરી ગયો હતો. ત્યાર બાદ ગુજરાતમાં પણ આ ચોટીકાંડનું ભૂત ધૂણવા લાગતા મહિલાઓમાં ફફડાટ ફેલાયો છે. સુરતના કીમ, વાગરાના દહેજ ખાતે, ગાંધીધામ અને અંકલેશ્વર, રાજકોટ મળીને પાંચ જેટલી ચોટીકાંડની ઘટના બનતા મહિલાઓ ડરના માર્યા ઘરેથી નીકળવાનું ટાળવાની સાથે ઘરે એકલા રહેવાનું પણ ટાળી રહી છે. આ ચોટીકાંડ પાછળ અંધશ્રધ્ધા છે કે કોઈ ટીખળખોરો દ્વારા આ કૃત્ય કરવામાં આવી રહ્યું છે ? તેવો પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ સુરતના કીમમાં એક મહિલાના વાળ અજાણી મહિલા કાપીને પલકવારમાં ભાગી જતા જેને લઈને કીમ વિસ્તારમાં ભયનું વાતાવરણ છવાયેલુ છે. પોલીસ પણ આ અંગે તપાસ કરી રહી છે. કીમ પૂર્વમાં આવેલા મુન્ના એજન્સીમાં ભીખ માગવાના બહાને પૂનમ શર્મા નામની મહિલાની ચોટી કપાયા બાદ તે મહિલા બેહોશ થઈ જવા પામી હતી. લોકોનું માનવું છે કે કોઈ તાંત્રિક વિદ્યા કરવા માટે આમ કરી રહ્યું છે. કપાયેલી ચોટી જોઈને વિસ્તારના લોકો પણ ચોંકી ગયા હતા જયારે બીજી ઘટનાની વાત કરીએ તો ભારત ભરમાં રહસ્યમય રીતે મહિલાઓની ચોટી કપાવવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે. જેને પગલે લોકો અને એમાંય ખાસ કરીને મહિલાઓમાં દહેશતનું વાતાવરણ ઉભુ થવા પામ્યું છે. જેને પગલે અંધશ્રધ્ધા વધુ પ્રબળ બનવા સાથે એનાથી છુટકારો મેળવવા અનેક રીત રસમો લોકો અપનાવી રહ્યા છે. આ સાથે ચોટી કપાવાના કિસ્સાની ઘટનાઓ સતત સોશિયલ મીડિયાના માધ્યમમાં વધુ પડતી પ્રસારિત થતી હોવાથી લોકોની માનસિકતા પર અસર કરી રહી છે. અંકલેશ્વરની કિશોરીનો ચોટલો કપાવાની ઘટનાની સ્યાહી શુકાઈ નથી. ત્યાં જ દહેજના નવા વાડિયામાં રહેતી મહિલાની ચોટી કપાયાનો કિસ્સો પ્રકાશમાં આવતાજ પંથકમાં કુતુહલ પેદા થવા સાથે મહિલાઓમાં ચિંતાનું મોજું ફેલાઈ જવા પામ્યું છે. દહેજના નવા વાડિયા ખાતે સોમાભાઈ પટેલના ઘરમાં ચંદ્રસિંહ યાદવ ભાડૂઆત તરીકે રહે છે. આઈ.પી.સી.એલ. કંપનીમાં નોકરી કરતા ચંદ્રસિંહના પત્ની તેમના ઘરે એકલા હતા. એવા સમયે સવારના ૧૦.૩૦ કલાકે ઘરમાં પ્રવેશતા તેમની ચોટી કપાઈ ગયેલી નજરે પડતા આરતીબેન ત્યાં જ બેહોશ થઈને ધરી પડયા હતા. આસપાસના લોકોને ખબર પડતા આરતીબેનને દહેજ સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની પ્રાથમિક સારવાર કર્યા બાદ હોશમાં આવ્યા હતા. તેમજ આરતીબેનની તબિયત સુધારા પર હોવાનું ડો. આબિદ મલેકે જણાવ્યું હતું. હાલ તો ચોટલો કપાવાની વાત વાયુવેગે દહેજ પંથકમાં પ્રસરી જતા તરેહતરેહની ચર્ચાએ જોર પકડયું છે. અંકલેશ્વરમાં ગતરોજ મહિલાના વાળ કપાયા બાદ આજે ૧ર વર્ષીય બાળકીના રહસ્યમય સંજોગોમાં વાળ કપાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં ચોટીકાંડની એક પછી એક ઘટનાઓ સામે આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. અંકલેશ્વરના મીરાનગરમાં ગતરોજ એક મહિલાના વાળ કપાયા બાદ આજે એક ૧ર વર્ષીય બાળકીની ચોટી કપાઈ છે. અંકલેશ્વર રાજપીપળા રોડ પર આવેલ સૌરમ્ય સોસાયટીમાં રહેતી ૧ર વર્ષીય સોનાલી પંડિત રાત્રે તેના ઘરમાં નિંદ્રા માણી રહી હતી એ દરમ્યાન અચાનક જ તેના વાળ કપાઈ ગયા હતા. બાળકીના જણાવ્યા અનુસાર તે ઉંઘમાં હતી એ દરમ્યાન કોઈ તેનું માઠું હલાવી રહ્યું હોવાનું તેણે અનુભવ્યું હતું અને ઉઠીને જોતા તેના વાળ કપાઈ ગયા હતા. ઘટનાની જાણ આસપાસના લોકોને થતા બાળકીના ઘર પાસે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. ચોટીકાંડની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે લોકો અંધશ્રધ્ધામાં પોતાના ઘરની બહાર હળદળનો લેપ પણ લગાવી રહ્યા છે. અંકલેશ્વરમાં ચોટીકાંડની બીજી ઘટના પ્રકાશમાં આવતા પોલીસ પણ દોડતી થઈ હતી અને ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જયારે અન્ય એક ઘટનામાં પૂર્વ કચ્છના ગાંધીધામ નજીક ગળપાદર ખાતે રહેતી ગીતાબેન ભીમકુમાર રાવ (ઉ.વ.રર) નામની મહિલા સાથે ચોટીકાંડની ઘટના બની હતી. મહિલા પોતાના ઘરના બાથરૂમમાં હાથ ધોવા ગઈ ત્યારે પાછળથી કોઈ અજાણી વ્યકિતએ તેના વાળ કાપી લીધા હતા. પોતાના વાળ કપાઈ જવાની જાણ થતા મહિલા બેહોશ બની ગયેલ અને ગાંધીધામની રામબાગ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવ બાબતે ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકમાં જાણ કરી જાણવાજોગ અરજી કરવામાં આવતા હેડ કોન્સ્ટેબલ નરેશકુમાર પરમારે તપાસ હાથ ધરી હતી. મહિલાની ચોટી કાપવાની ઘટનામાં પોલીસ હજુ કોઈ આરોપીની ઓળખ કરી શકી નથી. હાલમાં દેશભરમાં અલગ-અલગ જગ્યાએ મહિલાઓની ચોટી કપાવાની ઘટના ખાસી ચર્ચામાં છે અને આ પ્રકારની હરકત કરનારાઓની હજુ કયાંય પણ ઓળખ થઈ નથી. તે વધુ મુંઝવણમાં છે જેને લઈને મહિલાવર્ગ હવે ચિંતિત છે.
જયારે રાજકોટની ચોટીકાંડની ઘટનામાં પણ ચોકાવનારો ખુલાસો થયો છે. આજે રાજકોટ, સુરત, મહેસાણા, ભરૂચમાં પણ મહિલાઓની અને યુવતીઓની ચોટીઓ કાપવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે રાજકોટમાં આધેડ મહિલાની ચોટી કપાઈ હતી. તે મામલે ખુલાસો થયો છે. આ આધેડ મહિલાની ચોટી કોઈ બીજાએ નહી પરંતુ તેમની દીકરીએ જ કાપી છે તેવું જાણવા મળ્યું છે. આ મહિલાની દીકરી તે અસ્થિર મગજની છે. અને તેને ખ્યાલ ન રહેતા તેણે ચોટી કાપી હતી તેમ જાણવા મળ્યું છે.
ટીખળખોરે કૃત્ય કર્યું
હોવાની શંકા
વાગરા,તા.૧૧
અત્યારે જે રીતે ઈલેકટ્રોનિકસ મીડિયામાં ચોટી કપાયાના કિસ્સા બતાવવામાં આવી રહ્યા છે. તેને ધ્યાને લઈ કોઈ ટીખળખોરે આ કૃત્ય આચર્યું હોવાનું શંકા વ્યકત કરી હતી. તેમજ ઘટના ગીચ વિસ્તારમાં કઈ રીતે બની એ પણ શંકા ઉપજાવતી બાબત છે. અમારી તપાસ ચાલુ હોવાની ટેલિફોનિક વાતચીતમાં દહેજ પીઆઈ બી.એલ. ગોહિલે જણાવ્યું હતું.
ઓટલાને બદલે ઘરમાં ચોટલો ઓળાવવા મજબૂર મહિલાઓ
વાગરા,તા.૧૧
કપાતા ચોટલાની મહિલાઓના માનસિકતા પર માઠીઅસર વર્તાઈ રહી છે. તેનાથી બચવા માટે અનેક યુકિત પ્રયુકિત સ્ત્રીઓ અપનાવી રહી છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારની મહિલાઓ પર ચોટલાની સુરક્ષાને લઈ સતત દબાણ વધી રહ્યું છે. ગ્રામ્ય મહિલાઓ મોટે ભાગે ઘરના ઓટલા પર બેસી ચોટલો ઓળાવતી હોઈ છે પરંતુ દેશભરમાં ચોટી કપાવવાની બૂમો ઉઠતા તેઓ હવે ઓટલાને બદલે ઘરમાં જ ચોટલો ઓળાવવા મજબૂર બની છે.