(એજન્સી) તા.૧૮
ક્રિસમસ કેરોલ પર કોઇ ગુસ્સે થાય કે નારાજ થાય તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે તેમ છતાં મ.પ્ર. પોલીસે કેથલિક પ્રશિક્ષણ કેન્દ્રના એક જૂથ અને પાદરીઓની ધરપકડ કરી હતી કારણ કે તેઓ સતનામાં કેરોલ્સ (પ્રાર્થના ગીત) ગાતા હતા. આમાંથી ૬ની ધરપકડ ધાર્મિક લાગણી દુભવવા બદલ અને તેમની સામે રાજ્યના જલદ ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.
આ ઘટનાના પગલે મચી ગયેલી અફરાતફરીમાં હિંદુત્વ જૂથોએ આ ગ્રુપની કાર સળગાવી હતી અને કેટલાક ગાયકો પર હુમલો કર્યો હતો. પાછળથી આ ઘટના અંગે પોલીસ સ્ટેશન પર તપાસ કરવા ગયેલા ૮ પાદરીઓની પણ અટકાયત કરવામાં આવી હતી. આ કોઇ એકલદોકલ ઘટના છે એવું નથી. શનિવારે ઉ.પ્ર.માં હિંદુ જાગરણ મંચે અલીગઢમાં ખ્રિસ્તી સંચાલિત શાળાઓને નાતાલની ઉજવણી કરવા સામે ચેતવણી આપી હતી.
મ.પ્ર.ની જેમ તેઓ પણ ધર્માંતરણથી આવી કાર્યવાહી કરવા પ્રેરાયા હતા. આ સપ્તાહે બુધવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડનવીસનાં પત્ની અમૃતા ફડનવીસ પર નાતાલ વિષયવસ્તુ ધરાવતા એક ચેરિટી ઇવેન્ટને સમર્થન આપવા બદલ સોશિયલ મીડિયામાં તેમના પર પ્રહારો કરાયા હતા. અમૃતા ફડનવીસે આ આક્ષેપનો જવાબ આપતા જણાવ્યું હતું કે તેઓ એક ગર્વિષ્ઠ હિંદુ છે અને દેશમાં તમામ તહેવારો ઉજવે છે. મુંબઇમાં પણ કેરોલ્સ પર હુમલા થયા હતા.
મુંબઇ ભાજપ એકમના વડા અને ધારાસભ્ય આશિષ સેલરને પણ શહેરમાં નાતાલ મહોત્સવમાં હાજરી આપવા માટે મુંબઇના રહીશોને આમંત્રણ આપવા બદલ ટ્રોલ કરાયા હતા. સેલરના વિરોધીઓમાં જમણેરી પાંખના સામયિક સ્વરાજ્યના મુખ્ય સ્ટ્રેટેજી ઓફિસરનો સમાવેશ થતો હતો કે જેમણે મુંબઇના ચોપાટી બીચ પર સંગીત સ્પર્ધા, ખાણીપીણીના સ્ટોલ્સ અને સેન્ડ ફૂટબોલને હિંદુઓ વિરુદ્ધ સાંસ્કૃતિક યુદ્ધ સમાન ગણાવ્યા હતા. ખ્રિસ્તીઓને નિશાન બનાવવા એ કોઇ નવી ઘટના નથી. ૨૦૧૪માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તારુઢ થયાના ૬ મહિનામાં કેન્દ્ર સરકારે એવું જાહેર કર્યું હતું કે ૨૫ ડિસે.‘ગુડ ગવર્નન્સ ડે’ તરીકે ઉજવાશે અને ક્રિસમસ નિમિત્તે શાળાઓમાં વેકેશન હોવા છતાં શાળાઓ ચાલુ રાખવાનો આદેશ કર્યો હતો.
૨૦૧૭ના યુએસ કમિશનના અહેવાલ મુજબ તાજેતરના વર્ષોમાં ખ્રિસ્તીઓ પર હુમલા વધી ગયા છે. આ અહેવાલમાં ઓપન ડોર્સ નામના એનજીઓના એક અંદાજને ટાંકીને જણાવાયું હતું કે જાન્યુ.થી ઓક્ટો. ૨૦૧૬ વચ્ચે અઠવાડિયામાં ૧૦ વખત ચર્ચ અને પાદરીઓ પર હુમલા થયા હતા. આમ વાસ્તવમાં ક્રિસમસ સામે યુદ્ધ છેડાયું છે. હિંદુત્વ જૂથો ભારતીય ખ્રિસ્તીઓ અને તેમના સૌથી મોટા તહેવારને નિશાન બનાવી રહ્યા છે.