(એજન્સી) તા.૧૮
ભારતમાં શાસક ભાજપ અને તેની રાજનીતિની ટીકા કરતા અવાજને દબાવી દેવાના સઘન પ્રયાસો ચાલી રહ્યા છે એવું જમણેરી પાંખની ધાકધમકી સામે વિરોધ કરી રહેલા વિદ્યાર્થી નેતાઓએ જણાવ્યું હતું. નવી દિલ્હીમાં આ સપ્તાહના આરંભે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના (જેએનયુ) પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલીદ પર થયેલા હુમલાનો આ આંદોલનકારી વિદ્યાર્થીઓ પ્રતિસાદ આપી રહ્યા હતા.
આ ઘટના બાદ કેટલાક પત્રકારો સહિત અસંખ્ય લોકોએ શું હુમલો ખરેખર થયો હતો કે કેમ ? એવો સવાલ સોશિયલ નેટવર્ક પર ઉઠાવ્યો હતો. અન્ય કેટલાકે એટલે હદ સુધી કહ્યું હતું કે જેમની પાસે ગન હતી એ હુમલાખોર કદી પોતાનું નિશાન ચૂકે નહીં. ખાલીદ કે જેણે આ મહિનાના આરંભે જેએનયુમાં પોતાની પીએચડીની થિસીસ સુપરત કરી છે તે આવી પ્રયુક્તિઓથી અજાણ નથી.
નાસી જતા હુમલાખોરના સીસીટીવી ફૂટેજ તપાસનાર દિલ્હી પોલીસે એ વાતને સમર્થન આપ્યું હતું કે આ હુમલો પૂર્વ યોજિત હતો અને ખાલીદને નિશાન બનાવવામાં આવ્યો હતો કે કેમ તે અંગે તેઓ ચોક્કસ કહી શક્યા ન હતા. આ હુમલા માટે બે શખ્સોએ જવાબદારી સ્વીકારી છે કે જેનો વીડિયો વોટ્સએપ પર વાયરલ બન્યો છે. હફિંગ્ટન પોસ્ટ જો કે વીડિયોની સત્યતા વ્યક્તિગત રીતે ચકાસી શકી નથી. હુમલાખોરની ઓળખ અને મકસદ હજુ કોઇને ખબર નથી પરંતુ હફીંગ્ટન પોસ્ટ સાથે વાત કરનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે રાજકીય સતામણી અને સોશિયલ મીડિયા નફરતના કોમ્બિનેશનને કારણે હવે આવું પગલું ભરવા લોકોની હિંમત ખુલી ગઇ છે.
તેમણે તેના પુરાવારૂપે ગઇ સાલ પત્રકાર ગૌરી લંકેશની હત્યાનો ઉલ્લેખ કર્યો હતો કે જેઓ હિંદુત્વ સંગઠન સાથે સંકળાયેલા હતા. ભારતના લગભગ તમામ કેમ્પસમાં શાસક પક્ષની રાજનીતિની આલોચના કરનારા મોટા ભાગના વિદ્યાર્થીઓને સરકાર, યુનિવર્સિટી પ્રશાસકો અને રાજ્યના તંત્ર તરફથી ઉગ્ર પ્રતિક્રિયા પ્રાપ્ત થઇ રહી છે જેમ કે લખનૌ યુનિવર્સિટી ખાતે ઉ.પ્ર.ના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની મુલાકાત વખતે કાળો વાવટો બતાવનાર સામાજિક કર્મશીલ પૂજા શુક્લને ૨૬ દિવસ માટે જેલમાં ધકેલી દેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે ઉમર ખાલીદ પરનો હુમલો અમને ચૂપ કરી દેવા માટેના એક સંકેત અને સંદેશારુપ હતો.