(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૧૬
બે પત્નીઓનાં ત્રાસથી ત્રસ્ત પતિએ ત્રીજા માળેથી છલાંગ લગાવી જીવન ટુંકાવી નાંખવાની ઘટનાને પગલે કેવડાબાગ વિસ્તારમાં સોંપો પડી જવા પામ્યો છે. આપઘાત પૂર્વે મૃતકે મરણ નોંધમાં લખ્યું હતું કે, મારા મોત માટે મારી બન્ને પત્નીઓ જવાબદાર છે. પોલીસે નોંધ જપ્ત કરી તપાસ હાથ ધરી છે. વિગત અનુસાર શહેરના નવાપુરા સ્થિત કેવડાબાગ વિસ્તારમાં આવેલા દ્વારકેશ એપાર્ટમેન્ટમાં ૩૦૪ નંબરના ફલેટમાં રહેતા ૫૦ વર્ષીય સંદીપભાઇ તિલકરાવ જગદાણે વીઆઇપી રોડ ઉપર બ્રાઇટ હાઇસ્કુલમાં પટાવાળા તરીકે નોકરી કરતા હતા. ૧૦ વર્ષ પહેલા પ્રથમ પત્ની વંદનાબેન સાથે છૂટાછેડા થયા બાદ અન્ય મહિલા બિંદુબેન અતુલભાઇ મિસ્ત્રી સાથે દ્વારકેશ એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટમાં રહેતા હતા. શુક્રવારની રાતના ૩ વાગ્યાની આસપાસ સંદીપ જગદાણાએ ડાબા હાથની નસ કાપ્યા બાદ ફલેટનાં ટેરેસ ઉપર પહોંચી નીચે છલાંગ લગાવી હતી. તેમણે આપઘાત કરતા પૂર્વે લખેલી નોંધમાં લખ્યું હતું કે, મારી આત્મહત્યા પાછળ માત્ર અને માત્ર મારી પત્ની બિંદુ અને વંદના જવાબદાર છે. જે મને કાયમી તું મરી જા એવી ધમકી આપતી હતી. નવાપુરા પોલીસ ઘટના સ્થળે આવી મૃતદેહની તલાશી લેતા પેન્ટના ખીસ્સામાંથી મૃત્યુ પૂર્વેની નોંધ હાથ લાગી હતી. જે જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. મૃતક સંદીપના નાનાભાઇ સત્યેન જગદાણેએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે, મારાભાઇ સંદીપનું પ્રથમ લગ્ન વંદનાબહેન સાથે થયું હતું. તેના ૧૦ વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા છે. વંદના અને તેનો પુત્ર ધીરજ (૧૮ વર્ષ) અલગ રહે છે. મારી જાણ મુજબ બિન્દુ મારા ભાઇ સાથે જ રહેતી. મારા ભાઇએ મને કહેલું કે બિન્દુ સાંજે માત્ર રસોઇ કરવા માટે આવે છે. મારો ભાઇ આપઘાત કરે તેવો ન હતો. પરંતુ કેમ કર્યો તેની મને ખબર નથી. સંદીપે કરેલી આત્મહત્યા સમયે ફલેટમાં હાજર બિન્દુ અતુલભાઇ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, હું સંદીપના ઘરે રસોઇ બનાવવા આવતી હતી. રસોઇ બનાવી હું સાંજે જતી રહેલી. બીજી વખતના નિવેદનમાં તેણીએ કહ્યું કે, ફલેટના આગળના રૂમમાં હું સુતી હતી. સંદીપ ક્યારે ટેરેસ ઉપર ગયો અને પડતું મુક્યું તેની મને ખબર નથી. સવારે પાંચ વાગે મને ખબર પડી ત્યારે ફલેટના અન્ય રહીશોને જાણ કરી હતી.