(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧૮
ગુજરાતની ભાજપ સરકારના શાસનમાં છેલ્લા પંદરેક વર્ષથી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સિંગના નામે ૧પ લાખથી વધુ યુવાનોનું આર્થિક શોષણ થઈ રહ્યું છે ત્યારે ચૂંટણી નજીક આવતાં જ ફિક્સ પગાર ધારકોને થોડોક પગારવધારો આપી ભાજપ સરકાર આવા યુવાનોને લોલીપોપ આપી ક્રૂર મજાક કરી રહી છે. આથી કોંગ્રેસ પક્ષ સત્તામાં આવતાની સાથે જ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા આઉટ સોર્સિંગના નામે થતી આર્થિક શોષણની પદ્ધતિને નાબૂદ કરશે.
વડી અદાલતના ડિવિઝન બેંચના આદેશ મુજબ રાજ્યના યુવાનોને હક્ક અને અધિકાર, સમાન કામ, સમાન વેતનનો પૂરો પગાર આપવો જોઈએ તેવી માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું હતું કે ગુજરાતના તમામ વિભાગોમાં સરકાર કરકસરના બહાના હેઠળ ફિક્સ પગારના નામે, મોટાભાગનું આઉટ સોર્સિંગ કરીને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરીને તેમને ઉચ્ચક પગાર આપીને સતત આર્થિક શોષણ કરીને શું સાબિત કરવા માંગે છે ? શું ફિક્સ પગારદાર, કોન્ટ્રાક્ટ પ્રથા, આઉટ સોર્સિંગમાં કામ કરતા ૧પ લાખ કરતાં વધુ કર્મચારીઓ મનુષ્ય નથી ? શું ગુજરાતના નાગરિકો નથી ? આ અસહ્ય મોંઘવારીમાં નગણ્ય પગાર આપતી ગુજરાત સરકારને હાઈકોર્ટે આ ફિક્સ પગારની નીતિ રદ કરવાનો આદેશ આપ્યો હોવા છતાં તેનું પાલન ના કરીને પોતાના અહમમાં કેમ પ્રજાનું કલ્યાણ ભૂલી ગઈ છે આ ભાજપ સરકાર ? રાજ્યમાં સરકારી ચોપડે ૧૦.૪૬ લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે જ્યારે ન નોંધાયેલ બેરોજગારોની સંખ્યા ૩૦ લાખ એટલે કે ૪૦ લાખથી વધુ બેરોજગાર યુવાન-યુવતી ભાજપની નીતિનો ભોગ બની રહ્યા છે. ગુજરાતના પ લાખ ફિક્સ પગારધારકોના હિત માટે ભાજપ સરકાર તાકીદે સુપ્રીમ કોર્ટમાં અરજી પરત ખેંચે. આમ તમામ મોરચે નિષ્ફળ, ભ્રષ્ટ ભાજપ સરકારે સત્તા જવાના ડરથી ચૂંટણી નજીક આવતા કરેલી વિવિધ જાહેરાતો માત્રને માત્ર ગુજરાતના નાગરિકો સાથે છેલ્લા ૧પ વર્ષથી ચાલતી છેતરપિંડીનું એકરારનામું હોવાનો આક્ષેપ ડો.મનિષ દોશીએ કર્યો છે.