માળિયામાં ટેન્કરમાંથી સોયાબીન તેલ કાઢવાના કૌભાંડનો સીઆઈડીએ પર્દાફાશ કર્યો

(સંવાદદાતા દ્વારા)
માળીયામિંયાણા, તા. ૧૯
માળીયા હળવદ હાઈવે પર ભીમસર ચોકડી નજીક ખેતરમાં ટેન્કરમાંથી સોયાબીન કાઢવાના ધમધમતા કૌભાંડ પર ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ ત્રાટકીને રૂા.૩૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ખળભળાટ મચાવી દીધો છે સ્થાનીક પોલીસ અંધારામાં ઉંઘતી ઝડપાઈ ત્યારે માળીયા પોલીસની હદમાં ટેન્કરમાંથી સોયાબીન તેલ કાઢવાનુ મસમોટુ કૌભાંડ ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. સોયાબીન તેલના ટેન્કર લઈને માળીયા હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ડ્રાઈવર ક્લીનર સાથે સેટિંગ કરીને ટેન્કરમાંથી સોયાબીન તેલ કાઢવાનુ મસમોટું કૌભાંડ માળીયા હાઈવે પર ભીમસર ચોકડીની બાજુમાં ચાલતુ હોય ગાંધીનગર સીઆઈડી ક્રાઈમને મળેલી બાતમીને આધારે સીઆઈડી ક્રાઈમની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતુ જેમા ભીમસર ચોકડીની બાજુમાં ખેતરમાં ઇલેક્ટ્રિક લાઈટના અજવાળે ટેન્કરમાંથી ઓઈલ કાઢતા ઈસમો જેમાં ટેન્કર નંબર જીજે-૧૨-એઝેડ-૯૮૨૭ નો ચાલક હાજીસા બાઉસા ફકીર ઉ.વ ૪૦ રહે. ગોતર તા. રાધનપુર અને તેજારામ બાબુલાલ પ્રજાપતિ ઉ.વ ૨૦ રહે.જાલોર રાજસ્થાનવાળાને ઝડપી લઈને ટેન્કરનું સીલ તુટેલું હોય જેમાં કેરબામાં ત્રીસ લીટર સોયાબીન તેલ ભરેલું મળી આવ્યુ હતુ તેમજ અન્ય એક ટેન્કર જીજે-૧૨-એવાય-૫૭૮૬ તેનો ચાલક સુલતાન નામનો ઇસમ સાથે સેટિંગ કરીને ટેન્કરમાંથી ઓઈલ કાઢવાનો ગોરખધંધો કરતા હોવાનો પર્દાફાશ થયો છે સીઆઈડી ક્રાઈમ ટીમે સ્થળ પરથી ટેન્કરમાં ભરેલ ઓઈલની કિંમત રૂ.૧૪,૯૦,૦૦૦ ટેન્કર ૧૦ લાખ તેમજ અન્ય ટેન્કરમાં ભરેલ ઓઈલ કિંમત રૂ.૩ લાખ ટેન્કર કિંમત રૂ.૫ લાખ ઉપરાંત રોકડ તેમજ મોબાઈલ અને તેલ ચોરીના સાધનો કેરબામાં ભરેલ ઓઈલ મળી કુલ રૂ.૩૩,૪૦,૧૨૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ ગોરખધંધામાં કૌશિક પટેલ રહે.ઊંઝા જી.મહેસાણા ભરત કરશન આહીર યશોદા ગામ ભચાઉ કચ્છ અને જુસબ મહમદઅલી જેડા ત્રણ ઈસમો મુખ્ય સુત્રધાર હોય જેના નામો ખુલતા સીઆઈડી ક્રાઈમની ટીમે વધુ તપાસ ચલાવી ત્રણેય મુખ્ય આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.

Subscribe To Our Daily Newsletter

No spam, notifications only about new products, updates.

Related Posts