અમદાવાદ, તા.૪
ઓબીસી એકતા મંચ દ્વારા તા.પ
અને ૬ જુલાઈના રોજ દૂધબંધી અને દૂધ
રોકો આંદોલનની કરેલી જાહેરાતને
પગલે આવતીકાલથી દૂધ નહીં મળે તેવી
ફેલાયેલી અફવાના પગલે મોડી રાત્રિ
બાદ શહેરમાં દૂધની દુકાનો પર દૂધ
લેવા લોકો ઉમટી પડતાં અફડાતફડી
મચી ગઈ હતી અને દૂધની દુકાનો પર
થેલીઓનો જથ્થો સાફ થઈ જતાં લોકોએ
છૂટક દૂધ લેવા પણ પડાપડી કરી હતી.
આપણી પ્રજા, લોભી, લાલચુ,
ડરામણી, ગભરાયેલી છે. આથી જ
સત્તા લાલસુઓ અને તકસાધુઓ તેનો
ભરપૂર લાભ ઊઠાવી રહ્યા છે. અગાઉ
મીઠાની અછતની અફવા ફેલાવી પાંચ
રૂપિયે કિલો મળતું મીઠું રપથી ૧૦૦
રૂપિયામાં કિલો ખરીદનારા લોકોએ
આજે મીઠાની જેમ દૂધ લેવા આમથી
તેમજ દોડાદોડી કરતાં દૂધનો દુષ્કાળ
પડવાનો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ
થયું હતું. આવતીકાલથી બે દિવસ દૂધ
નહીં મળે તેવી મોડી સાંજથી અફવા
ફેલાવાનું શરૂ થતાં લોકો એક પછી એક
બહાર નીકળી દૂધ લેવા ઉમટી પડ્યા
હતા. જોતજોતામાં આ વાત શહેરભરમાં
ફેલાઈ જતાં દૂધના પાર્લરો અને ડેરી પર
લોકોનો જમાવડો થઈ ગયો હતો અને
કેટલીક દુકાનો પર તો દૂધ લેવા રીતસર
લોકોએ લાઈનો લગાવી દીધી હતી.
જોતજોતામાં શહેરભરમાં આ વાત
ફેલાઈ જતાં લોકોએ એકબીજાને ફોન
પર પૃચ્છા કરી ખરાઈ કર્યા બાદ દૂધ લેવા
પડાપડી કરી હતી. પરિણામે મોડી રાત્રી
સુધીમાં તો મોટાભાગની દુકાનોમાં
દૂધનો જથ્થો ખલાસ જઈ જતાં લોકોએ
છૂટક વેચતી દુકાનોમાં જઈ લાઈન લગાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે
સોમવારે હિંમતનગરમાં ઓબીસી
એકતા મંચ દ્વારા યોજાયેલી રેલીમાં
અલ્પેશ ઠાકોરે દૂધ ઉત્પાદકોને દૂધના
લીટરદીઠ રૂા.૩ સબસિડી આપવાની
માગ સાથે આગામી પ અને ૬
જુલાઈના રોજ દૂધ રોકો આંદોલન માટે
ડેરીઓના મંત્રીઓને દૂધ ન ભરવા
વિનંતી કરી હતી. ઉપરાંત વિવિધ
ડેરીઓમાંથી દૂધ શહેરોમાં ન જાય તે
માટે ડેરીની બહાર દેખાવો કરવાનું
આહ્વાન કર્યું હતું અને ગામડાઓમાં
પણ ડેરીઓ પર બે દિવસ દૂધ ભરશો
નહીં તેવા બેનરો લગાવી દેવાયા છે.
જેના પરિણામે કેટલાક ચોક્કસ લોકોએ
આવતીકાલથી બે દિવસ દૂધ નહીં મળે
તેવી અફવા ફેલાવતા આ અફડાતફડી
મચી ગઈ હતી.